આપણે હારવાનું ભૂલી ગયા કે પછી હાર સ્વીકારવાનું ભૂલી ગયા. કાદવ ફેંકવાની દૂષણ કુટેવો વિસરાય ગઈ છે કે કાદવમાં પણ ફૂલો ખીલી શકે એવી શક્યતાઓને સ્વીકારવા લાગ્યાં છીએ. આંખોમાં સકારાત્મકતા વિકસીત થઈ કે પછી હૃદયમાંથી કુરુક્ષેત્રના કૃષ્ણનો હોંકારો બહાર સંભળાયો. અચાનક એવી ઘટનાઓ ઘટી કે અનાયાસે આખો દેશ ગીતાજીના વચનોને ફેલાવવા લાગ્યાં. કર્મ કરવું એ આપણો અધિકાર છે, એમનાં પરિણામ પર આપણી કોઈ પકડ નથી.(ચંદ્રયાન ૨)
લાગણીમાં જેટલી તાકાત હોય છે એટલી લાકડીમાં નથી હોતી. જે કામ પંપાળીને થઈ શકે એ કામ ફટકારીને નથી થતું. જયારે સમગ્ર દેશની વિચારધારા આશ્વાસનમાં પરિવર્તિત થાય ત્યારે સમજવું કે આપણે સાચા રસ્તા પર છીએ. જયારે કાર્ય થતું હોય છે ત્યારે શારીરિક મનોબળ ખર્ચાતું હોય છે અને કાર્યની સમાપ્તિ બાદ માનસિક મનોબળ ખર્ચાતું હોય છે. સફળતા કે અસફળતા બન્નેનું પેટ્રોલ માનસિક મનોબળ જ છે.
છેલ્લા બે દિવસમાં આપણી વ્યક્તિત્વની અગ્નિપરીક્ષા થઈ છે. ચન્દ્રયાન 2 પર આપણો અભિગમ અને ટ્રાફિક મેમો પર બધાના પ્રતિભાવો. છેલ્લા ઘણા દિવસોથી એક વાત સામે આવી કે દેશની વિચારધારા બદલાય રહી છે. એટલે કે દેશના મોટા કાર્યોમાં ઓનલાઈન વખોડવાનું ઘટ્યું અને વખાણવાનું શરૂ થયું. જેવો રાજા તેવી પ્રજા. પરંતુ સુધારા માટે માત્ર પોઝીટીવ અભિગમ નહિ ચાલે. આશ્વાસન દુઃખ હળવું કરી શકે પરંતુ પરિવર્તન લાવવા આચરણ મહત્ત્વનું છે. વિચાર + આચરણ = આદર્શ દેશ.
ટ્રાફિક મેમોએ સોશિયલ મીડિયા ગજવ્યું છે. હા, દંડ પણ ભારે ભરખમ છે. પરંતુ નિયમો આવશ્યક છે. અંતે તો વાહનચાલકની સુરક્ષા જ ને. આદર્શ વાતાવરણ લાવવા આકરું આચરણ ખૂબ જરૂરી છે. નિયમોનું પાલન કરવામાં પરસેવો છૂટે જ. કારણ કે, આપણને આદત નહોતી. હકીકતે આપણને આપણી કઈ પડી જ નથી. “મોજમાં રહેવું” એનો અર્થ બેદરકારી નથી. નિયમોનું આચરણ જ આદર્શ પરિવર્તન લાવી શકે. આપણને વિદેશોના ચોખ્ખાં રસ્તાઓ અને એમનું ટ્રાફિક ડીસીપ્લીન જોવું ગમે અને અન્યોને મોકલવું પણ ગમે. પરંતુ એવાં ડીસીપ્લીનમાં રહેવાનું કડવું લાગે છે.
દંડ છે ત્યાં ડર છે. ડર હોય ત્યાં અનુશાસન હોય. અનુશાસન હોય ત્યાં સુશાસન હોય. નિયમો મહાભારતમાં પણ હતાં, નિયમો રામરાજ્યમાં પણ હતાં. માત્ર હતાં નહિ પરંતુ 70℅ પાલન થતાં. આપણે 70% પાલન થઈ જાય તો તો….!!
પણ કીધું એમ દેશની વિચારધારા ઘણા અંશે પોઝીટીવ બની છે. ઇસરો પ્રત્યે પ્રેમ વરસ્યો છે તો ટ્રાફિક સજાગતા પ્રત્યે પણ હકારાત્મક વાતાવરણ બન્યું છે. બાકી તો સોશિયલ મોડિયા છે એટલે જોક્સ તો બનવાનાં જ. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન હવે મોટી રકમે ચૂકવાશે. પહેલાં પણ એમાં ભાવ બદલી થઈ હતી. આપણે ગંભીરતા ન દાખવી એટલે ડબલ ભાવ વધારો થયો. લાગતું નથી કે આનો વિરોધ થશે કે પછી એમાં કોઈ સુધારો થાય. હવે અનુકરણ કર્યે જ છૂટકો ને આચરણ કર્યે જ બચત.
આપણી માનસિકતા છેતરી લેવાની છે. ઓલી વાત છે ને કે, એક ગામમાં બધાને સૂચના મળે કે, ‘બધાએ પોતાના ઘરેથી એક એક દૂધનો લોટો લઈ આવી કૂવામાં રેડવાનો છે.’ એટલે વારાફરતી વારા, પોતાની અનુકૂળતાએ ગામ આખાએ લોટા ઠાલવ્યાં. છેલ્લે કૂવો જુએ તો નકરો પાણીનો ભર્યો હતો. કારણ કે, બધાએ એવું જ વિચાર્યું કે, “આખું ગામ તો દૂધ નાખશે, હું એક પાણીનો લોટો રેડી આવીશ તો કોને ખબર પડશે….” બસ, આજ છે સમાજનો સ્વભાવ. માણસોની માણસાઈ અને દેશની નબળાઈ.
વાત અંતે પોતાના આચરણે આવીને ઉભી રહે. માટે સમય પોઝીટીવ વિચારનો પણ છે અને સાથે સાથે પોઝીટીવ આચરણનો પણ છે. કોઈને હિંમત આપવી સારપ છે તો નિયમોનું સ્વૈચ્છિક પાલન પણ દેશને પ્રગતિ કરાવી શકે. વિચારોથી સમૃદ્ધ બનીશું એટલે ધીમે ધીમે આચરણમાં પણ સુધારો થશે.
લાસ્ટ વિકેટ
આપણું મનોવલણ જ પરિસ્થિતિનું પરિણામ હોય છે. આપણું આચરણ જ આદર્શ પરિસ્થિતિનું નિર્માણ હોય છે.
– જયદેવ પુરોહિત
09/09/2019
SANJOG NEWS, AMRELI