બાટલા હાઉસ ટૂ ISIS
જ્હોન મારો પ્રિય અભિનેતા તો નહીં પણ હવે એના વખાણ કર્યા વગર નહિ જ રહેવાય. મદ્રાસ કાફે, સત્યમેવ જયતે, રો ને હવે બાટલા હાઉસ. આ ફિલ્મ પણ એક દેશભક્તિની ફિલ્મ કહી શકાય અને સત્યઘટના છે માટે જુનુન, ગુસ્સો, જોશ, દેશપ્રેમ, પોલીસ પ્રત્યે માન જન્મવનારી ફિલ્મ છે. એમ પણ જ્હોનનો અભિનય દિલ જીતીને ના લઈ જાય તો કહેવું પડે. એકદમ શાંત, ધીરગંભીર અને ભૂલોને કઈ રીતે હેન્ડલ કરવી એની સૂઝથી ભરપૂર પાત્ર એટલે ACP સંજય કુમાર.
અહીં વાતની શરૂઆત જ એની અંગત જિંદગીથી થાય છે. કઈ રીતે બન્ને પતિ-પત્ની વચ્ચે અણબનાવનું વાતાવરણ છે ને એ વાતાવરણમાં પણ તે આતંકવાદીઓનો સામનો કરવા જાય છે. જયાં જતા જ ખબર પડે છે કે પોતાના જ સાથીમિત્ર કે.કે (રાજ કિશન) દ્વારા ઉતાવળ થઈ ગઈ અને ગોળીબારના અવાજો રસ્તામાં ગુંજે છે. જેમાં કે.કેને ગોળી લાગતા મૃત્યુ પામે છે.
ખરી વાર્તા હવે જ શરૂ થાય છે. L-18 બાટલા હાઉસમાં રહેતા આતંકવાદીઓ કે જેનું માત્ર ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું પણ કે.કેની ઉતાવળથી ગોળીબારમાં બે આતંકવાદીઓ ભાગી જાય છે, બે ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે ને એક પોલીસને હાથ લાગી જાય છે. આ આતંકવાદીઓ ‘ઇન્ડિયન મુજાહીદીન’ (IM) નામના આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું મનાય છે. ખરેખર દેશના લોકોને આટલો વાંધો ના આવેત જો આ આતંકવાદીઓ વિદ્યાર્થી ના હોત. મુસ્લિમ સમાજ હોય કે હ્યુમન રાઇટ્સ હોઈ બધાએ પોલીસ ઉપર આંગળી ચીંધવાનું હલકું અને સહેલું કામ હાથ લઇ લીધું.
આ બધાની વચ્ચે ખરાબ માનસિક હાલત થઈ જતા પણ સંજય કુમાર જે રીતે કામ કરે છે તેનું વર્ણન કરવું સહેલું નથી. માત્ર દેશ ને લોકો જ નહીં તે સમયની તંગદિલીમાં તેના પોતાના ઉપરી અધિકારીઓનો પણ એટલી જ બહાદુરીથી સામનો કર્યે છૂટકો. અંતે જ્યૂડીસીઅલ મિટિંગ બોલાવાય છે, કોર્ટમાં કેસ પણ ચાલે છે જવાબ સંજય કુમાર માટે ઘણો હકારાત્મક પણ આવે છે. પણ..પણ….પણ…. નાગરિકોને આ વાત નથી પચતી અને તેઓની ટીકા ચાલતી જ રહે છે.
પોલીસ કાંઈ કામ નથી કરતી અને આ એક નાટકીય એન્કાઉન્ટર હતું, એવો જવાબ લોકોને ત્યારે મળે છે જ્યારે તેમાનો એક ફરાફ આતંકવાદી ISISમાંથી ઇન્ટરવ્યૂ આપતા જણાવે છે કે,’બાટલા હાઉસ કેસ પછી દિલ્લી પોલીસે અમારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું માટે હું ત્યાંથી ભાગી નીકળ્યો.’
શું ખરેખર દરવખતે પોલીસ જ ખોટી હોય છે? શુ તેઓને સપોર્ટ કરવો આપણી ફરજ નથી? માન્યું કે માણસ માત્ર ભૂલ ને પાત્ર અને તેઓથી પણ ભૂલ થાય છે જેના આપણે નગારા વગાડીયે છીએ તો ક્યારેક આપણે એના વખાણ પણ કરવા એ આપણી ફરજ નથી?… પોલીસ જો ખરુખોટું કરે પણ છે તો એને જવબદાર કોણ?…. વગેરે પ્રશ્નો સાથ વાર્તાને સુંદર અંત અપાયો છે.
હજી ચાલે જ છે ફિલ્મ માટે જલ્દી દોડો ને ટિકિટ લઈ આવો.
આ રીવ્યુ માટે નિરાલી ભાવના જોષીનો આભાર.
– જયદેવ પુરોહિત
06/09/2019
Sanjog news, amreli