Blog

વર્લ્ડકપમાં હાર, ટાંટિયા ખેંચમાં જીત

વર્લ્ડકપમાં હાર, ટાંટિયા ખેંચમાં જીત

ભારતના ઇતિહાસની બારીકાઈથી વાત કરીએ તો જાતિવાદ, કોમવાદ, ભેદભાવ આંખે વળગે જ. માણસના આંતરિક પર્સનલ અણબનાવને લીધે દેશહિતના ઘણા પરિણામો અહિત બની જતા હોય છે. જે સમાજની ‘એકતા’ વિશ્વવિખ્યાત કહેવાતી હોય ત્યાં ‘અનેકતા’ સ્વીકાર્ય ન જ હોવી જોઈએ. કોઈપણ પ્રકારના ઝઘડાઓને વિસરીને હંમેશા ટોપ બેસ્ટ સિલેક્ટ કરવું જોઈએ. તેથી મહેનત અને ટેલેન્ટ પરથી લોકોનો વિશ્વાસ ન ઊઠે. પછીએ નાની અમથી દુકાનમાં સફાઈ કામદારની ભરતી હોય કે વર્લ્ડકપ માટે ઇન્ડિયન ટીમનું સિલેક્શન.

ખ્યાલ આવી જ ગયો હશે કે હું મહિલા ક્રિકેટ વર્લ્ડકપની વાત કરું છું. ભારતની મહિલા ટીમનો અત્યારે સુવર્ણયુગ શરૂ છે. એમ કહો કે મહિલા ક્રિકેટનો ભાગ્યોદય થયો છે. જે ટીમ ચેમ્પિયન ગણાતી હોય, આખું વિશ્વ આ વાત સ્વીકારતું હોય, ત્યારે જ ટીમમાં વિવાદ થાય ને સેમી ફાઇનલમાં 8 વિકેટે હારી ભારત બહાર થઈ જાય. હાર મેદાન પર થઈ કે અંદર ડ્રેસિંગ રૂમમાં??

મિતાલી રાજ ભારતીય મહિલા ટીમની સૌથી મહાન ખેલાડી. ભારતમાં મહિલા ક્રિકેટને ઓળખાણ મળી હોય તો તેમાં મિતાલીનો મહત્ત્વનો ભાગ છે. સતત રન બનાવી ટીમને વિનર બનાવી છે. કેપ્ટન તરીકે સફળ રહી છે. પરંતુ કુછ ઐસા હો ગયા કી મિતાલી વર્લ્ડ કપ કે સેમી ફાઇનલ મેચમેં ન ટીમમે થી કી ન મેદાન પે. પોલિટિક્સનો શિકાર બની અને હજારો શિકારીઓની જેમ જ એ પણ કઈ ન કરી શકી.

સતત 2 મેચમાં અર્ધ સદી લગાવીને મેન ઑફ ધ મેચ બની. ઇન્ડિયાને સેમી ફાઇનલમાં લઈ ગઈ. જે વ્યક્તિ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપી રહ્યો હોય અને એને કહેવામાં આવે કે “યુ આર રિજેક્ટેડ.” બસ, એવું જ મિતાલી સાથે થયું. હા, આંતરિક ઝઘડાઓ બધે જ શરૂ હોય છે. પરંતુ એનું પરિણામ દેશને ભોગવવું પડે ત્યારે એમ થાય કે આવું કૃત્ય??

સ્પોર્ટ્સમાં ગંદુ પોલિટિક્સ તો વર્ષોથી રમાતું આવ્યું છે અને હજી બંધ થવાનું નથી. જો કે માત્ર સ્પોર્ટ્સ નહીં, કોઈપણ વિભાગ લઈ લો ટેલેન્ટ ગમે તેટલું ભર્યું હોય પણ જીત તો “લાગવગ”ની જ થાય. આ લાગવગ નામની તલવારથી દરરોજ હજારો માથા કપાતાં હશે. અને આ રીતે ટેલેન્ટ હિંમત હારી બેસી જતું હશે. આપણી આસપાસ જીવાતી લાઈફ 80% લાગવગથી ભરેલી હોય છે અથવા બદલો લેવાની ભાવનાથી બેસ્ટ પર્ફોમરને નજરઅંદાજ કરવામાં આવે છે. અને કા તો કોઈની સફળતા જોઈ ન શકીએ એટલે ‘ટાંટિયા ખેંચ’ શરૂ થાય.

“મિતાલી માત્ર પોતા માટે જ રમે છે. દેશ માટે નહીં.” આવું વિચિત્ર નિવેદન કોચે આપ્યું. અને ટીમમાંથી બહાર કરવાનું કારણ પણ બતાવ્યું. જે ખેલાડીએ ભારતને વર્લ્ડકપની ફાઇનલમાં પહોચાડ્યું, જે ખેલાડી વિશ્વની સૌથી વધુ મેચ રમનારી મહિલા હોય, ભારતીય મહિલા ટીમમાં સૌથી વધુ રન જેના હોય, અનેક શ્રેષ્ઠ એવોર્ડ મળ્યાં હોય, ભારતની યુવા છોકરીઓની યુથ આઇકોન હોય, વિશ્વને ભારતીય મહિલા ક્રિકેટનો પરિચય આપ્યો હોય છતાં પણ આવો વિવાદ?? અને આમ પણ જયારે કોઈ મનમાં ઠાસી લે કે ‘મારે આનું ખરાબ કરવું જ છે’ પછી ગમે તેટલી સારી બાબતો કેમ ન હોય. એ ભૂલ જ શોધે.

કદાચ છેલ્લા 5 મેચથી મિતાલીના રન બનતાં હોય તો આ નિર્ણય વ્યાજબી ગણાય. પણ બે મેચની હીરો બની છતાં ટીમમાંથી બહાર. અને એ પણ વિશ્વકક્ષાએ. મિતાલીએ એક ટ્વીટ ઓન કર્યું કે,

Mithali Raj

@M_Raj03
I’m deeply saddened & hurt by the aspersions cast on me. My commitment to the game & 20yrs of playing for my country.The hard work, sweat, in vain.
Today, my patriotism doubted, my skill set questioned & all the mud slinging- it’s the darkest day of my life. May god give strength
57.5K
10:34 AM – Nov 29, 2018

મિતાલીનો સાથ આપવા ઘણા ચહેરાઓ પણ આગળ વધ્યાં છે. અને ઘણાએ પવાર કોચને સાચા કહ્યા છે. હા ખેલ સર્વોપરી હોય છે. ખેલાડી કયારેય ખેલથી મોટો નથી થતો. પરંતુ કોઈને ટીમમાંથી બહાર કરવાનું એક ઠોસ કારણ પણ જોઈએ. આજ બનાવમાં ગાંગુલીએ પણ કહ્યું કે, “મારી સાથે પણ મિતાલી જેવું જ થયું. કોચ ચેપલે મારી સાથે પક્ષપાત રાખ્યો હતો.” તો સુનિલ ગાવસકરે પણ પોતાના વિચારો જણાવતાં કહ્યું કે,
“હું મિતાલી માટે ખુબ જ જ દુખ અનુભવી રહ્યો છું તે ખુબ જ સારૂ રમે છે. તેણે ભારતીય ક્રિકેટમાં 20 વર્ષ આપ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં પણ સારો સ્કોર કર્યો અને બે મેચોમાં મેન ઓફ ધ મેચ પણ રહી. જો કોહલીને આમ બહાર બેસાડવામાં આવે તો…”

વિવાદ હજી શરૂ છે પરંતુ એ વર્લ્ડકપ આપણે હારી ચુક્યા છીએ એ સત્ય છે. જ્યાં સુધી ભારતમાં “ટાંટિયા ખેંચ” રમત શરૂ છે ત્યાં સુધી ટેલેન્ટ ICUમાં તડપતું રહેશે.

લાસ્ટ વિકેટ

યોગ્યતા, ક્ષમતા ને પરિપક્વતા આ ત્રણેયને લાગવગ પાસે હારતા જોયા છે. અને આ હાર દેશવ્યાપી છે.

– જયદેવ પુરોહિત

02/12/2018
SANJOG NEWS, AMERELI

Leave a Reply

avatar
  Subscribe  
Notify of