Blog

🎉 ત્રણ વાદળી રિબન તમે કોને આપશો? 🎉

કૅલીફોર્નિયા(USA)ની બે જાણીતી વ્યક્તિઓ ‘હૅલિસ બ્રિજિસ અને ડૅલ મારે’ આ બંનેએ એક પદ્ધતિ શોધેલી છે. હવે એક વખત ન્યૂયોર્કની એક શાળામાં શિક્ષિકાએ આ પદ્ધતિ લાગુ પાડવાનું વિચાર્યું. બધા વિદ્યાર્થીઓને વારાફરતી પાસે બોલાવ્યા અને બધાનાં શિક્ષિકાએ વખાણ કર્યા. ત્યારબાદ દરેકને એક વાદળી રંગની રિબન આપી. તે રિબન પર સોનેરી અક્ષરે લખ્યું હતું, “હુ આઇ ઍમ મેઈક્સ આ ડિફરન્સ” (મારે કારણે, મારા અસ્તિત્વ ને કારણે આ પૃથ્વી પર ઘણો હકારાત્મક બદલાવ આવે છે.)

બાળકો રિબન જોઈને ખુશ થઈ ગયાં. શિક્ષિકાએ આ પદ્ધતિને પ્રોજેક્ટનું સ્વરૂપ આપ્યું. શાળાના વાતાવરણમાં હકારાત્મક બદલાવ થાય છે કે નહીં એ જાણવા બધા વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ વાદળી રિબન આપી. તેમના જીવન પર જે વ્યક્તિએ હકારાત્મક અસર છોડી હોય, તેવી ત્રણ વ્યક્તિઓને એ રિબન બાંધવાનું ટીચરે વિદ્યાર્થીઓને સૂચન કર્યું. વિદ્યાર્થીઓ એકદમ વિચારવા લાગ્યાં. આખા વર્ષની સારી સારી બાબતો નજર સામે આવી. સૌથી મોટો ફાયદો એ થયો કે વિદ્યાર્થીઓના વિચારોમાં માત્ર સારી બાબતો જ આવી. નકારાત્મક વિચારો આવવાનો વિકલ્પ જ નહોતો.

હવે એક વિદ્યાર્થીને શાળામાં કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા આવેલા એક સાહેબને વાદળી રિબન બાંધવાની ઈચ્છા થઈ. અનેક સંપર્કો કરી તે સાહેબ પાસે પહોંચ્યો અને વાદળી રિબન બાંધી. અને કહ્યું, “સાહેબ, તમે મારી આળસ દૂર કરી છે. મારામાં નવા વિચારો ઉછેર્યા છે માટે આ વર્ષની વાદળી રિબન તમને આપી. અને આ લો બીજી બે રિબન, તમે પણ જેણે તમારા માટે સારું કર્યું હોય એને બાંધજો.” પેલા સાહેબે પોતાના મિત્રને રિબન બાંધી કારણ કે અમાસની રાતે પણ એ મિત્રનો પડછાયો સાહેબ સાથે ચાલતો હતો.

આ બ્લુ રિબનની પદ્ધતિનો વીડિયો માણો હેલિસ બ્રેજીસના અવાજમાં…લિંક પર ક્લિક કરો..
https://youtu.be/U5lxFcWu_04

આજે 31 ડિસમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ. આ એક વર્ષમાં આપણામાં ઘણો બદલાવ થયો હોય છે. સ્વભાવ પ્રભાવ અને કોઈકનો અભાવ પણ બદલાયો હોય છે. ક્યાંક ઠેસ લાગી હોય તો ક્યાંક કોઈકનો હાથ પણ પકડ્યો હોય છે. નવા મિત્રો મળ્યા હોય તો કોઈ છુટા પણ થયા હોય. પરંતુ બધાનું વર્ષ અચૂક પૂરું થયું. કારણ કે સમય બધાને સરખો જ સમય આપે છે. અંત ભલા તો સબ ભલા. આપણી લાઈફમાં પણ આ વર્ષે એવો વળાંક આવ્યો હશે જ્યાંથી આપણી વિચારધારા ચેન્જ થઈ હશે. દુનિયાને જોવાની રીત સુધરી હશે. પરિસ્થિતિઓ સાથે ડિલ કરવામાં હકારાત્મકતા આવી હશે. કોઈ નવો જ માર્ગ આ વર્ષે ખુલ્યો હશે. તો, સમય છે આપણો પણ ત્રણ વાદળી રિબન બાંધવાનો. આખા વર્ષને યાદ કરી એવા ત્રણ ચહેરાને પસંદ કરો કે જેને સાચે આપણાં જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવ્યો હોય. ભલે એમની સાથે રોજ વાતચીત ન થતી હોય, ભલે એમની જોડે ઘર જેવા સંબંધ ન હોય પરંતુ કંઈક ડિફરન્ટ એનર્જી આપણને મળી હોય.

માત્ર થેન્ક્સ કે સર્વસામાન્ય વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરીને આભાર માનવાની વાત નથી. પરંતુ નજીક હોય તો સાચે રિબન બાંધો અને દૂર હોય તો ફોનમાં વાત કરી પહેલા કારણ જણાવી પછી કહો કે “યુ આર માય વાદળી રિબન”. અને એને પણ ગિફ્ટમાં બે રિબન આપી જ દો. વર્ષનાં અંતે માત્ર સારી યાદો જ યાદ આવશે. અને જેને રિબન બાંધશો એને અનહદ ખુશી થશે જેનો શ્રેય માત્ર આપણને મળશે. અને આપણે વધુ હકારાત્મક તરફ ગતિ કરીશું.

સંબંધોના ભારથી કે મજબૂરીથી આ રિબન કોઈને આપવી નહિ કેમ કે આવું થશે તો જાતને છેતરવાનું ફળ ભોગવવું પડશે અને જે સાચે કદરદાન છે એ કદરથી દૂર જ રહેશે. હવે ઓલા મિત્રએ પોતાના બોસને રિબન આપી. બૉસે સાંજે ઘરે જતાં વિચાર્યું કે હું આ રિબન કોને બાંધીશ? અંતે એક ચહેરો નજરમાં છપાયો.

ઘરે પહોંચતા જ બૉસે પોતાના ચૌદ વર્ષના પુત્રને કહ્યું, “બેટા આજે તો ઓફિસમાં એક અજીબો ગરીબ ઘટના બની! મારી કંપનીના એક ઓફિસરે મારા વખાણ કરીને આ રિબન પહેરાવી તથા મને પણ એક રિબન આપી. હવે હું જેને સન્માનિત કરવા ઇચ્છતો હોઉં તેવી વ્યક્તિને મારે આ રિબન બાંધવાની છે. મને તો આ રિબન માટે તું જ યોગ્ય લાગે છે, બેટા. હું આખો દિવસ કામ કરીને ઘેર આવું છું. તારી સાથે રમતો ય નથી. અરે, વાતવાતમાં ચિડાઈ જાઉં છું. શાળામાં રિઝલ્ટ સારું ન આવે તો ધમકાવું છું. તારો રૂમ વેરવિખેર હોય તો દબડાવું છું! પણ, તું ક્યારેય સામે નથી બોલતો. હમેશા તું આઈ લવ યુ પપ્પા કહી ગાલે ચૂમી જા છો. તારો આ સ્વભાવ મને રોજ ઘણું શીખવે છે. મારા મનનો ભાર તું હળવો કરે છે. માટે આ રિબન હું તને બાંધવા ઈચ્છું છું.”

આપણી પાસે પણ ત્રણ વાદળી રિબન છે. તમે કોને આ વર્ષની રિબન બાંધવાના છો. પ્લીઝ, આળસ ન કરતાં. સારા માણસોની યાદી મોટી થશે જીવનમાં. મેં તો નક્કી કરી લીધું. સૌ પ્રથમ તો હું આપ સૌને બે બે વાદળી રિબન આપવા માંગુ છું.

લાસ્ટ વિકેટ

“પપ્પા, હું તો કાલે જ આત્મહત્યા કરવાનું વિચારતો હતો. મને હંમેશ એવું લાગતું હતું કે તમને મારા પર સહેજે ય પ્રેમ નથી ! એ વાદળી રિબને મને બચાવી લીધો.”

– જયદેવ પુરોહિત

31/12/2018

સોમવાર, સંજોગ ન્યૂઝ

Leave a Reply

avatar
  Subscribe  
Notify of