Blog

સેક્શન 375 : કાયદાઓ મહાન કે ન્યાય…

હાલ દેશનો સૌથી સેન્સેટિવ મુદ્દો એટલે “રેપ”. રેપ શબ્દ કાને અથડાય એટલે આપણે હાથમાં મીણબત્તી લઈને ન્યાય માંગવા નીકળી પડીએ. એમાંથી 80% લોકોને ખબર જ નથી હોતી કે સાચો બનાવ બન્યો છે શું?? અને સમાચારમાં જે મસાલો બતાવવામાં આવે એ ટકોરા મારીને તપાસેલો નથી હોતો. સમાચારોનું કામ જ તમાશો કરવાનું છે. ખેર, આપણે વાત કરવી છે હમણાં રેપ પર આવેલી પારદર્શક ફિલ્મની. કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ “સેક્શન 375”.

બહુ ઓછી એવી ફિલ્મો હોય છે જેમાં બંને પક્ષને દમદાર રીતે રજૂ કરવામાં આવ્યો હોય. સ્ટોરીને વધુ રહસ્યમય બનાવવા ખોટી વાર્તાઓ ઉમેરીને મોટાભાગે ફિલ્મો બનતી હોય છે. પરંતુ આ એકદમ અલગ ફિલ્મ છે. એકદમ ટાઈટ ફિલ્મ. એટલે કે, કોઈ વસ્તુ તમને વધારાની ન લાગે. અને સચોટ દલીલબાજી. કાનૂન અને ન્યાય આ બંને વચ્ચેની એકદમ પાતળી રેખાને અહીં પરફેક્ટ રીતે પ્રસ્તુત કરી છે.

રાઇટર મનીષ ગુપ્તા છે. એટલી કડક સ્ટોરી કે એક એક શબ્દ ત્રાજવામાંથી પસાર થયા છે.

ફિલ્મની વાર્તા શરૂ થાય છે રોહન ખુરાનાથી. જે એક ડાયરેકટર હોય છે અને ત્યાં અંજલિ ડાંગલે કોસ્ચ્યુમ ડિઝાઈનર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોય છે. એક દિવસ એ રોહનના ઘરે કોસ્ચ્યુમ દેખાડવા જાય છે અને વાર્તા પહોંચે છે કોર્ટમાં. અંજલીએ રોહન પર રેપનો આરોપ નાખ્યો. છાતીમાં આંગળીઓના લીસોટા, અંજલિના શરીર પર મારના નિશાન અને સ્પર્મ ચેકસપ. બધામાં રોહન દોષિત છે એવું જ તારણ આવ્યું. સ્પર્મ ડ્રોપ પણ મેચ થયા. પરંતુ જે રીતે આગળ કોર્ટમાં વાતો ઉઘડતી જાય છે તેમ તેમ આ વાર્તા વધુ નિખરતી જાય છે.

અક્ષય ખન્ના અને રિચા ચઢ્ઢા આ બંને આ ફિલ્મનાં કેન્દ્ર છે. કોર્ટમાં બંનેને જબરદસ્ત રીતે રજૂ કરવામાં આવ્યાં છે. ફિલ્મ જોશો ત્યારે જ મજા આવશે. અને આપણને પણ સમજાશે કે રેપ જેવા કેસોમાં આવું પણ હોય શકે. રેપ થયો અથવા રેપ કર્યો આવું સાંભળીને તરત કોઈ પુરુષને પતાવી દેવાની વાતો અયોગ્ય છે. રેપ એ કોઈ પહેલી મુલાકાતે બનતી ઘટના નથી. સહમતીથી થતું સેક્સ અને જાતીય શોષણ એ બંને વચ્ચેની આ વાર્તા ખરેખર જોવા જેવી છે.

તરુણ સલૂજા કોર્ટમાં કહે છે કે, “સહમતીથી વાઈલ્ડ બની કરેલ સેક્સને બળાત્કાર ન ગણી શકાય. એમાં બંનેની મંજૂરી હોય છે. ” તો બીજી તરફ હિરલ ગાંધી અંજલિ તરફથી લડતાં કહે છે કે, “ભલે એ રોજ સેક્સ કરતાં હોય પરંતુ એકવખત પણ અનિચ્છનીય રીતે કરેલ સેક્સને બળાત્કાર જ કહેવાય” આવી સેન્સેટિવ વાતને મજેદાર રીતે સમજાવી છે. માત્ર કાયદાકીય નિર્ણયો લેવાય એ ન્યાય નથી હોતો. સેક્શન 375 એવું કહે છે કે જાતીય શોષણ એ બળાત્કાર જ કહેવાય. ઘણી વખત અરીસા પાછળ સાચું સત્ય છુપાયેલું હોય છે પરંતુ આપણે બધાં અરીસામાં બંધાયેલા છીએ. ખબર હોવાં છતાં અરીસાની પાછળ જોઈ શકતાં નથી.

ડાયરેકટર અજય બહલએ એક સચોટ ફિલ્મ બનાવી છે. આવા રેપીસ્ટ બનાવમાં પણ સ્ત્રી કે પુરુષ કોઈની તરફદારી કરી નથી. વાર્તાને જેટલી દિશાઓમાંથી જોઈ શકાય એ બધી જ દલીલો બતાવી છે અને ફિલ્મનો એન્ડ તો ખરેખર ન્યાયિક છે. કાયદાઓ અને ન્યાય વચ્ચે બહુ ફરક હોય છે અને આપણે બધા કાયદાઓથી બંધાયેલા છીએ ન્યાયથી નહિ.

દરેકે જોવા જેવી આ ફિલ્મ છે. આપણે કાયદાનો ફાયદો પણ ઉઠાવી શકીએ. અને ત્યાં સાચા ન્યાયનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. અદાલત વિશેની હજારો ફિલ્મો જોઈ હશે પરંતુ આ ફિલ્મ જોશો એટલે અદાલત પ્રત્યેની નજર વધુ ઝીણી થઈ જશે.

2019ના શ્રેષ્ઠ ફિલ્મોમાં મૂકી શકાય એવી આ કાનૂની ફિલ્મ છે.

– જયદેવ પુરોહિત

20/12/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

Leave a Reply

avatar
  Subscribe  
Notify of