Blog

સદાચાર સદાબહાર ‘સરદાર’

“બાપુ ! તમે સરદાર અને જવાહરને મારા કરતાં વધુ સારી રીતે ઓળખો છો, પણ જો આ બંને સાથેના મારા અનુભવને આધારે મને કહેવા દો તો હું કહીશ કે સરદારના પગ જમીન ઉપર છે, જવાહરના નથી. જવાહર એકલા સરદાર વગર રાજ્યની ધુરા કયારેય સંભાળી શકશે નહીં. જો સરદાર પદત્યાગ કરશે તો દેશ ભારે આપત્તિમાં આવી પડશે અને આ પગલું ખૂબ જોખમી બનશે. મને લાગે છે કે તમારે કોઈ પણ ભોગે બંનેને સાથે જ રાખવા જોઈએ.” માઉન્ટબેટનનાં વિચારોમાં પણ સરદાર પટેલની છબી શ્રેષ્ઠ હતી માટે જ તે ગાંધીજીને આ વાત કહેવા ગયાં હતાં.

કોઈપણ રાજકારણી હોય તેમને પટેલનો અભ્યાસ કરવો જોઈએ, પછી જ ઉમેદવાર માટે આગળ આવવું જોઈએ.

નીડરતા સાથે બુદ્ધિમત્તાને યોગ્ય માન આપવાનું તો સરદાર પટેલ જ જાણે. આઝાદી મળી ગઈ, પાકિસ્તાન વિખૂટું પણ થઈ ગયું પરંતુ હિન્દુસ્તાન હજી સ્વતંત્ર નહોતું થયું. કારણ કે અંદરખાને બીજા અનેક પાકિસ્તાનો જાગતાં હતાં. જો હિન્દુસ્તાનના ચારેય ખૂણા એક ન થાય ત્યાં સુધી આઝાદીનો મર્મ અર્થહીન કહેવાય. અને આપણામાં ને બ્રિટિશ શાસનમાં તફાવત શું? એક બાજુ કોમવાદ ફાટી નીકળ્યો ને બીજી તરફ લોકોના વિચારોમાં વિષનું વાવેતર થતું હતું. આવી પરિસ્થિતિમાં પણ એકતાનો સૂર્યોદય થયો, ૫૬૨ રજવાડાંને એકતંતુએ બાંધી રાખવાની આશાની આંગળી જે તરફ વળી એ વ્યક્તિ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ઉર્ફે સરદાર પટેલ.

હજારો પથ્થર ભેગાં કરવા સરળ છે હજારો માણસોને ભેગા કરવા કરતાં. માત્ર સરદાર પટેલના નામનું રટણ કરવાની જરૂર નથી, જયારે કોમવાદીઓ બરાડા પાડે, વિરોધીઓ નુકસાન કરે કે કોઈ દેશની એકતાને વિખવાની કોશિશ કરે ત્યારે કેમ સરદાર પટેલના વિચારો યાદ નથી આવતાં? ત્યારે કેમ 562 રજવાડાં ભેગા કરવાની સ્ટ્રેટેજી અમલમાં નથી આવતી? મોટી મોટી ઓફિસોમાં મોટા મોટા ફોટામાં પટેલને બેસાડીને દેશ એક ન બને. પહેલા સરદારને ભણવા પડે પછી વિચારવા પડે ને ત્યારબાદ આચરણમાં અનુસરવા પડે.

સરદારને વર્ષોથી બિસ્માર્ક સાથે સરખાવવામાં આવે છે. જેમ બિસ્માર્કે જર્મનભાષી પ્રાંત અને પ્રદેશોને એક કરી જર્મની નામનાં દેશનું સર્જન કર્યું, તેમ સરદાર પટેલે પણ તૂટેલા ભારતને જોડવાનું કામ કર્યું, માટે સરદાર ભારતનાં બિસ્માર્ક છે. જે ઉપરથી ભાસે એવું ભીતર હોતું નથી. જર્મની માત્ર ત્રણ ડઝન રાજ્યોમાં વહેચાયેલું હતું. ધર્મ અને ભાષા એક હોવા છતાં બિસ્માર્કે ઘાતકી રસ્તો અપનાવ્યો, કત્લેઆમ કરી પોતે સમ્રાટ બન્યો અને દેશને જોડ્યો. હવે વાત કરો ભારતની તો ૫૬૨ નાના મોટા રાજ્યો, ધર્મ કર્મ અને ભાષામાં અનેકતા છતાં લોહી કે ક્રુરતાનો અવાજ સરદાર પટેલે નથી ગર્જ્યો. પોતાની દીર્ઘદ્રષ્ટિ અને બુદ્ધિમત્તાનો આગવો ઉપયોગ કરી બધાને જોડ્યા. જે વાત સમજાવવાથી થઈ શકે ત્યાં રક્તપાત કરાય?? આવી સરખામણી કરી સરદારનું સ્તર નીચું ન લાવવું જોઈએ. સરદાર પટેલ એટલે સરદાર પટેલ.

કોઈપણ દેશનાં પાયા ધ્રુજાવા માટે કોમવાદથી મોટું કોઈ ઝેર નથી. કોમવાદ ત્યારે પણ હતો, આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. સરદારને એ સમયે મુસલમાનની તરફેણમાં ગણવામાં આવતાં હતાં. જવાહરલાલે એવું નિવેદન આપ્યું કે દેશ વિભાજન પછી દેશમાં રહેલા મુસલમાનોમાં દેશપ્રેમ અને સુરક્ષાભાવ જળવાયેલા રહે, ભય કે ઓછપની કોઈ ભાવના રહે નહીં એવું કરવું જોઈએ. આ વાતનો જવાબ સરદારે સ્માર્ટનેસથી વ્યક્ત કર્યો, “જેમને પાકિસ્તાન જોઈતું હતું એમને એ મળી ગયું છે. જેમને દ્વિરાષ્ટ્રમાં શ્રદ્ધા હોય એ ત્યાં જાય અને સુખેથી રહે. હવે અહીં રહેલા મુસલમાનોની એ ફરજ છે કે પોતાનાં કર્મો દ્વારા તેઓ આ દેશની બહુમતી પ્રજાને વિશ્વાસ અપાવે કે તેઓ આ દેશને વફાદાર છે.” આવા પ્રસંગોમાં સરદાર પટેલ નિખરતા.

સરદાર પટેલ વિશે ઘણું બધું લખાઇ ગયું ને હજી બોઉં બધું લખાતું રહેશે. 31 ઓક્ટોબર, 1875થી ડિસેમ્બર 15, 1950 સુધીની લગભગ ૭૫ વર્ષની જીવનયાત્રામાં સરદાર લડતાં રહ્યાં છે. ગાંધીજી હોય કે બોઝબાબુ બધાં સામે પોતાનો અભિપ્રાય બેફિકર રજૂ કરતાં. પરંતુ ગાંધીજી પ્રત્યે આદરભાવ એટલો જ. સરદાર પટેલ એક ઉત્તમ વક્તા પણ હતાં. એમની બોડીલેંગ્વેઝ પહાડી છાતી ને તેજસ્વી સ્વપ્નસેવી આંખો જ એમનાં વ્યક્તિત્વની સાબિતી આપે છે. એમની જીવનપ્રણાલી અલગ હતી, અજબ હતી એટલે જ એ બીજા બધાથી અલગ હતાં. પટેલમાંથી દરેકને શીખવા જેવી બાબત છે વાણીની નીડરતા. ડર ગયાં વો અંગ્રેજ હો ગયા… જો લડ ગયાં વો ભારત હો ગયાં..

દિનકર જોષી દ્વારા લેખિત “મહામાનવ સરદાર”ની ત્રીજી આવૃત્તિ આ વર્ષે પ્રકાશિત થઈ. ઉપરની વાતો સંદર્ભો એ ગ્રંથમાંથી અને બક્ષીબાબુના લેખોમાંથી છે. નવલકથાના પ્રવાહમાં લખાયેલી આ પુસ્તક વાંચીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નિહાળવા જઈએ તો સરદાર પટેલ શ્વાસ લેતાં દેખાઈ તો નવાઈ નહિ. આવનારા વર્ષોમાં તાજમહેલની મહિમા ઘટશે ને સરદારની ગરિમા વધશે. અમર રહે સરદાર.

સરદાર વલ્લભભાઈ પટેલના હયાત વિચારોને જન્મદિવસ મુબારક.

ટીક ટૉક ⏳

લોર્ડ માઉન્ટબેટનના પ્રેસ-એટેચે એલન કેમ્પબેલ-જ્હોનસન પ્રસ્તાવનામાં લખે છે : “મેં ઇતિહાસ લખ્યો નથી. ફક્ત ઇતિહાસ માટેના સૂત્ર-સંધાનો જ પ્રસ્તુત કર્યા છે, પણ ‘ઇન્ડિયા, ધેટ ઈઝ ભારત’ના પુનર્જન્મ સમયની આ ડાયરી તત્કાલીન મહાપાત્રોના મનના એક્સ-રેની ભૂમિકા ભજવી જાય છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ એમાંથી એક ચટ્ટાનની જેમ ઉભરે છે. ગુજરાતીઓને આનંદ થાય એવી એક વાત એ છે કે લેખક ઘણી જગ્યાએ ‘ધ સરદાર’ લખે છે. હિન્દુસ્તાનના સાંપ્રત ઇતિહાસમાં ‘ધી સરદાર’ એક જ છે…

– જયદેવ પુરોહિત

( ઉત્સવ પૂર્તિ, સંજોગ ન્યુઝ )
( અમરેલી, ૩૧/૧૦/૨૦૧૮ )

Leave a Reply

avatar
  Subscribe  
Notify of