Blog

વજ્રથી કઠોર ને ફૂલથી કોમળ “રામ”

“नौमी भौम बार मधुमासा, अवधपुरीं यह चरित प्रकासा ” ચૈત્રમાસ શુક્લપક્ષ અને નવમી તિથિ એટલે પરફેક્ટ હેન્ડસમ એન્ડ પૃથ્વીકિંગ “શ્રી રામજીનું પ્રાગટય”.

સંયોગ જોવો, ચૈત્ર નવરાત્રી રામજન્મથી પુરી થાય અને શારદીય નવરાત્રી ‘દશેરા’ થી. ‘હેપ્પી રામનવમી’ ને ‘રામ ફોટોસ ડીપીમાં’ રાખી બધાં બર્થડે સેલિબ્રેટ કરશે, આજે એ અદ્વિતીય મર્યાદાપુરુષ વિશે ચિંતન કરીએ.

થોડાં ફ્લેશબેકમાં ડોકિયું કરીએ… અજેય રાજા દશરથ રાવણ સામે યુદ્ધ હાર્યા અને રાણી કૈકેયે પ્રાણ બચાવ્યા. સમાજમાં દશરથ રાજાની બુરાઈ શરૂ થઈ, ‘યુદ્ધમાં હાર ને નથી કોઈ વારસ’ હવે રાજા દશરથનું સામ્રાજ્યનો અંત નક્કી છે.

એવાં સમયે પ્રભુકૃપાથી “विप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार” આ પ્રયોજનવશ ભગવાન શ્રીરામ મનુષ્ય બની અયોધ્યામાં અવતર્યા.

અહીંયા તુલસીદાસ લખે છે કે”जन्म महोत्सव रचहिं सुजाना” બુદ્ધિશાળી લોકો જન્મને મહોત્સવ ગણી ઉજવણી કરે છે એટલે કે “બર્થડે સેલિબ્રેટ ન કરવા” એવું કહેનારા માટે આ ચોપાઈ ગાલ પર તમાચો છે.

કોઈપણ શાસ્ત્રને ખોલીને વાંચો તો ખ્યાલ આવશે કે “આનંદ જ પરમાત્મા છે.” જન્મદિવસની પાર્ટી તો થવી જોઇએ.

રામાયણ જેટલી વંચાય નથી એટલી ચર્ચાય છે એટલે જ અત્યારે રામવિચારધારા ટકાવવા મથવું પડશે. હિન્દુ ધર્મની ઇમારત “રામાયણ ને મહાભારત” બે ગ્રંથો પર ઉભી છે (અત્યારે તો ડગમગે છે).

બન્ને પારિવારિક ગ્રંથો છે એટલે જ હિંદુધર્મની મહાનતા “પરિવાર જીવનશૈલી”માં છે. થોડી રામાયણની રોચક વાતો ને યાદ કરીએ…

રામ એટલે એવા ભગવાન કે જેને મૃત્યુ બાદ સન્માન યશ અને કિર્તી મળી. જીવતા તો આરોપો, શંકાઓ અને આંખોમાં આંસુ જ મળ્યાં.

રામનો જન્મ અપશુકનિયાળ ગણાતો.

દશરથની હારનું કારણ માનવામાં આવ્યું હતું.

છતાં પોતાના નિયમોને આધીન રહી જીવન જીવ્યાં. આદર્શ પુત્ર, આદર્શ પતિ આદર્શ ભાઈ  અને આદર્શ રાજા બન્યાં.

“દુઃખ”ને કદાચ આભૂષણોથી શણગારવામાં આવે તો રામસીતાની મૂર્તિ બને.

સમાજ કોઈનો થયો નથી અને થશે પણ નહિં એ રામાયણ શીખવે. નિયમોને પ્રાધાન્ય મળે ત્યારે રામવૃત્તિ સમાજમાં વિસ્તરે. અહિયાં તો સામાન્ય સરપંચનો છોરો છાતી ફુલાવી નિયમો તોડે અને ગ્રામજનો વાહ વાહ કરે.

દોષ એ છોરાનો નથી પરંતુ તેને સલામ ઠોકતાં કર્મચારીઓ નો છે.(રેડ ફિલ્મ સરકારી અધિકારીઓ એ અચૂક જોવું અને થોડી કાગળની નોટો પાછળ પોતાનું સ્વાભિમાન ન વેચવું).

ઈમાનદારીથી મોટી કોઈ ઓળખ નથી હોતી. પ્રામાણિકતા જેનો સ્વભાવ હોય એ દુઃખ વેઠે પણ સુખ ખરીદે નહીં.

“तापस बेष बिसेषि उदासी, चौदह बरिस रामु बनबासी”

કૈકેયી એ માગેલું આ બીજું વરદાન ‘સીતાચરિત્ર’ ‘રામચરિત્ર’ અને ‘રાવણચરિત્ર’ નું કારણ બન્યું. રામાયણના બધા જ પાત્રો મહાન છે.

તપસ્વી થઈ વનમાં જીવન વિતાવી સાદગી નો સંદેશ આપ્યો તો સબરીના બોર ખાઈ “ગરીબી-અમીરી”નો ભેદ દૂર કર્યો.

રામાયણની બધી લીલાને યાદ કરો તો ખબર પડશે કે “સામાન્ય માણસ” માટે જ રામ જીવન જીવ્યાં છે.

સરકારને કામ “ગરીબી ઓછી કરવા કરવું જોઈએ નહીં કે અમીરોની દુકાન વધારવા”.

રામરાજ્ય એટલે નાનો માણસ પણ દરબારમાં પોતાના વિચારો રજૂ કરી શકે, અહીંયા તો લોકોને બંધ રાખવાની કવાયતો ઘડાતી હોય છે.

પિતાને  બહુપત્નિ હોવા છતાં પોતે “એકપત્નિત્વ ની વિચારધારા” ને સ્વીકારી પત્નિવ્રતા બન્યાં. આજના જમાનામાં કણ જેટલું દુઃખ પડે તો સવારે “છૂટાછેડા” હોય.

બીજાને રામાયણ શીખવવાની જરૂર નથી પોતાના વિચારોને રામવૃત્તિથી મહેકાવો. રામજીએ કોઈને બદલ્યા નથી પોતે બદલાયા એટલે શ્રેષ્ઠ સમાજ ઘડાયો.

ભૂલ હોય ત્યાં પોતે સજાભાગી બન્યાં. વચનનું પાલન એજ એમનું જીવન.

રામ રાજા તરીકે શ્રેષ્ઠ રહ્યાં તેની પાછળ એમની ઉચ્ચકક્ષાની વિચારધારા છે. રામસીતાના સંવાદનો અંશ છે કે “આગેવાન એટલે માત્ર એ વ્યક્તિ નહિ કે જે લોકોને તેમની ઈચ્છા મુજબનું જીવન આપે.

લોકોએ કલ્પ્યું હોય તેનાથી વધારે સારા બનવાનું તેમને શીખવે , તેને આગેવાન કહેવાય, તેને રાજા કહેવાય”.

આ સંવાદ બેસ્ટ લીડર બનવું હોય તો આત્મસાત કરવો પડે. રામરાજ્યના સપના જોવા હોય તો એ સમયની પ્રજા પણ આપણે બનવું પડે.

દશેરાના દિવસે “રાવણદહન” કરી રામ વિચારધારાનો જય જયકાર કરીએ છીએ કે ‘રાવણવૃત્તિ’ને વધુ આક્રમક બનવીએ છીએ??

રામાયણના કોઈ પાત્ર સામાન્ય કે અર્થહીન નથી. રાવણને જાણો તો ખ્યાલ આવે કે “રામ જેવું તો દૂર રહ્યું સીતાહરણ પહેલાનાં રાવણ બનીએ તો પણ જીવન ધન્ય છે”.

આવેગો, આવેશો અને ઉમળકાઓને શાંત રાખી ધીરજપૂર્વક જીવન જીવતાં રામ શીખવે છે. વિરોધ કરો. પોતાના હકો મેળવો.

પરંતુ એ સામાન્ય પ્રજાને હાનિકારક ન બને એ રામાયણ શીખવે. બસો સળગાવવી, ઘરો તોડવા આ વિકૃતિ અંતે તો સમાજને તોડે છે.

પરિવારને પ્રેમ કરો. સાદગીપૂર્ણ જીવન અને સમાજસેવી બનો.જો આ રીતે જીવવાનો પ્રયાસ થશે તો પણ “રામ નવમી”ની ઉજવણી કરી કહેવાશે.

બાકી, હવે અયોધ્યામાં વિશાળ રામ મંદિર બનશે એટલે આપણે દર્શન કરીને રામ પૂજ્યાનું પુણ્ય તો લેશું જ.

રામબાણ

જે કદી હરામનાં કામ ન કરે એવા વ્યક્તિને સાચા દિલથી રામ-રામ કરાય..
- જયદેવ પુરોહિત

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Hina purohit Recent comment authors
  Subscribe  
newest oldest
Notify of
Hina purohit
Guest
Hina purohit

વાહ…ખૂબ છ સરસ લેખન છે….આજની યુવા પેઢી માટે જયદેવ આપના જેવા view ની જરૂર છે…😊👏👏👏👏