Blog

માત્ર, ત્રણ સેકન્ડ…

માણસ સૌથી વધુ સક્રિય ગુસ્સામાં હોય છે. સેકન્ડના ત્રીજા ભાગમાં ક્રોધ પહેરી લે છે. અને ગુફામાં દબાયેલી વાતોને સજીવન કરી મીઠા સંબંધોની દફનવિધિ કરે છે. એક્શનનું રિએક્શન એટલું ઝડપથી કરીએ કે વિચારોને અવકાશ જ નથી રહેતો. અને પછી શું?? પસ્તાવો, પસ્તાવો ને પસ્તાવો.

આપણે માણસ છીએ તો આ ઘટના બધા સાથે ઘટે એ સ્વાભાવિક. પરંતુ તોફાનને રોકવા ડેમ બાંધવાનો પ્રયાસ પણ સુખકર નીવડે. હાર્દિક પંડ્યા, નવજોત સિંધુ વગેરે રિએક્શનમાં ફસાયા. કરણ જોહરે ન પૂછેલા પ્રશ્નોના જવાબ પણ હાર્દિક આપવા લાગ્યો હતો. ખુશી વ્યક્ત કરવામાં અને ગુસ્સે થવામાં જે વ્યક્તિ થોડો સમય લે એ ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકે છે.

ઉત્સુકતામાં આવી શબ્દે શબ્દે જીવનના રહસ્યો બધા સામે પાથરવાની ભૂલ બધા કરતા હોય છે. પૂછ્યું થોડું ને આપણે કહ્યું ઘણું.

 

ત્રણ સેકન્ડનું આપણી લાઈફમાં મહત્ત્વ શું? કંઈ નહીં. એક….બે…..ને ત્રણ…. લો થઈ ગઈ ત્રણ સેકન્ડ. શું બદલાયું? શું બચી ગયું?? કંઈ જ નહીં. પણ ‘સુરેશ – અલકા પ્રજાપતિની એક પુસ્તક કહે છે કે ત્રણ સેકન્ડ સુનામીને રોકી શકે છે. સંબંધોને મીઠા મધુરા બનાવી શકે છે. ઘણી મુસીબતોનો નાશ કરી શકે છે. ભીડમાંથી લીડર બનાવી શકે છે. સમાન્યમાંથી અસાધારણ બનાવી દે છે માત્ર ત્રણ સેકન્ડ.

લેખક પોતાનો જ અનુભવ વર્ણવતાં કહે છે, “હું સુરેન્દ્રનગરથી અમદાવાદ પ્રાઇવેટ બસમાં આવતો હતો. બસ આખી હાઉસફૂલ.બસમાં એક બહેન ચડ્યાં જેમનું ભારે શરીર ઊભા રહેવા માટે અસમર્થ. તેમની દુવિધા જોઈ મેં મારી સીટ આપી હું પગથિયાં આગળ ઉભો રહ્યો. થોડીવાર પછી હું પગથિયામાં બેસવા ગયો કે તરત કંડકટરે રોકયો, ‘અહીં બેસવાનું નહીં.’ હવે મારો ગુસ્સો જાગ્યો.

 

 

“કેમ નહીં? મેં પૈસા ખર્ચ્યા, કંઈ મફત થોડો બેસું છું?” તેણે સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું, “તો શું થયું? તમને બહુ મિજાજ હોય તો પૈસા લઈ ઉતરી જાઓ.” મારો પિત્તો ગયો. હું લાલચોળ થઈ કહેવાનો જ હતો કે “લાવ પૈસા…” કે અચાનક મને “ત્રણ સેકન્ડ યાદ આવી ગઈ !”

મને યાદ આવ્યું કે આપણામાં અને પ્રાણીઓમાં(કૂતરમાં) કંઈક ફરક છે. મારે સભાનતાથી વર્તવું જોઈએ. એકદમ શાંતિથી મેં પૂછયું, ‘શું હું એ જાણી શકું કે અહીંયા બેસવાની મનાઈ કેમ?’ સામેથી જવાબ આવ્યો, ‘સાહેબ (મારી સાથેનું સંબોધન તેને બદલી નાખ્યું…) મને પગમાં ફેક્ચર છે સાથે સળિયા નાખેલા. એટલે જો તમે અહીંયા બેસો તો બીજા પણ બેસશે અને આ પગથિયામાં કોઈ બેસે તો એની સીધી ધ્રુજારી મારા પગમાં આવે છે. અસહ્ય પીડા થાય છે. હું મારો પગ વાળી શકું તેમ નથી. માટે….’

 

 

એજ ક્ષણે ગુસ્સાએ પ્રેમ ધારણ કર્યો. અવાજમાં કોમળતા આવી, “ઓહ ! માફ કરજો, મને ખ્યાલ નહોતો. હવે તમે નિરાંતે ઉભા રહો.’ બસ માંડ એકાદ સ્ટેશન પહોંચી ત્યાં કંડક્ટર બોલ્યો, ‘સાહેબ, તમે અહીંયા બેસી જાવ !’ મેં માથું નકાર્યું પણ એમનો આગ્રહ જીતી ગયો. હવે મને પેલી ત્રણ સેકન્ડ ફરી યાદ આવી..

જો હું ત્રણ સેકન્ડનો ઉપયોગ કર્યા વિના ઉતરી ગયો હોત તો…

બીજી બસની રાહ જોવી પડત.

બીજી બસ મળત ત્યાં સુધી આ કંડકટરને ઘણી ગાળો આપી ચુક્યો હોત.

મારી બોડી લેંગ્વેઝ આખી ક્રોધિત થઈ જાત.

ઘરે કલાક અડધો કલાક મોડું થાત.

ઘરે પહોંચ્યા પછી મોડા આવવાનું કારણ પત્ની પૂછત તો ફરીથી મગજમાં પેલી કેસેટ રિપીટ થાત.

મારી કારણે પત્નીની સ્માઈલ વિખાઈ જાત.

એ ટ્રાવેલ્સ વિશે મારો ખરાબ અભિપ્રાય બની ગયો હોત !

ત્રણ સેકન્ડની પાછળ કદાચ ત્રીસ મિનિટ હેરાન થયો હોત બીજી બસ પકડવા.

વગેરે…વગેરે…

 

 

માત્ર, ત્રણ સેકન્ડ…

માણસને બનાવનારો ઈશ્વર વધારે બુદ્ધિશાળી તો હોય જ ને ! તેણે આપણને તમામ પરિસ્થિતિમાં ચોઇસ આપી છે. વિકલ્પો વિચારી, તેમાંથી પસંદ કરીને પ્રતિક્રિયા આપવા માટેનો આપણને સમય આપ્યો છે.

આટલી ઉતાવળ શા માટે?? આપણે દરેક બાબતમાં ત્રણ સેકન્ડ વાપરી શકીએ છીએ. પતિ-પત્નીની નોક-જોકમાં, ખાસ તો ગુસ્સે થઈએ ત્યારે, ચોઇસ પસંદ કરવામાં, ખુશીમાં આવીને વચન આપતી વખતે, તરત રિકશેન આપતી વખતે, બિઝનેસની કોઈ ડીલ નક્કી કરીએ ત્યારે, સામેવાળાને ગલત માની લઈએ ત્યારે, ઇચ્છિત ફળ ન મળે ત્યારે, કામ-ક્રોધ-લોભ અને મોહ પ્રગટે ત્યારે, રીક્ષા-બસ કે કોઈપણ રીતે મુસાફરી કરીએ ત્યારે, વગેરે… વગેરે.. ખરેખર જો દરેક વખતે મનમાં યાદ આવી જાય કે… ઓ… પેલી ત્રણ સેકન્ડ…. તો વાણી, વર્તન અને સ્વભાવ તરત પ્રેમાળ બની જશે. અને સામેની વ્યક્તિ પર અલગ જ પ્રભાવ પડશે.

ટૂંકમાં, દરેક પરિસ્થિતિમાં ત્રણ સેકન્ડના ન્યાયથી પસંદ નક્કી કરવામાં આવે તો ૯૦% આપણો નિર્ણય સાચો સાબિત થશે. જે વ્યક્તિઓ પરિણામો વિશે વિચાર કરી પછી રીએક્ટ કરે છે તે વ્યક્તિ નુકશાની ઓછી અને નફો વધુ મેળવે છે.

ચલો સાથે શરૂ કરીએ માત્ર ત્રણ સેકન્ડ.. વાતાવરણ, વિચાર અને જીવન બદલાતું જણાય તો આ સત્ય છે. હવે આપણી લાઈફમાં ત્રણ સેકન્ડનું મહત્ત્વનું સ્થાન છે?? એક… બે… અને… ત્ર…. ણ. ⏳⏳⏳

ટીક ટૉક⏱️

એક દિવસ વિખ્યાત એકટર હેન્ડરસન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ચર્ચામાં ભાગ લેવા ગયા. તે દરમિયાન એક વિદ્યાર્થીએ ખિજાઈને તેમના ચહેરા પર શરાબ છાંટી. હેન્ડરસને રૂમાલ કાઢી ચહેરો લૂછી પેલા વિદ્યાર્થીને કહ્યું, “મિત્ર ! આપણે જરા આડા રસ્તે ચાલ્યા ગયા, ચાલો ફરી ચર્ચાના મુદ્દા પર આવીએ !”

– જયદેવ પુરોહિત

27/02/2019

(સંજોગ ન્યૂઝપેપર – અમરેલી)

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x