Blog

#ME TOO : દાગ બુરે હૈ… 

શોષણ અને પોષણ બન્ને શબ્દ વચ્ચે હરીફાઈ થાય તો ‘શોષણ’ વન-સાઈડ મુકાબલો જીતી જાય. અને પોષણને કારમો પરાજય મળે. કોઈપણ જોબ હોય, બિઝનેસ હોય કે કોઈપણ ક્ષેત્ર હોય, બધે જ સહન કરનારનું શોષણ વધુ જ થાય છે. ખેર, જવા દો. એ મુદ્દે પછી કયારેક. અત્યારે જે #me too નું તોફાન દેશમાં જે ગતિ થી વ્યાપી રહ્યું છે તેની ચર્ચા કરીએ.

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ‘સ્ત્રી-શોષણ'(સેક્સ-બળજબરી-માંગ)નો આરોપ લગાવ્યો. અને હજારો તનુશ્રી જીવંત થઈ ગઈ. યૌન શોષણ એ ક્રુરતાને પોષે છે ને સ્ત્રીને શોષે છે. લજ્જા, શરમ અને બદનામીના ભયથી સ્ત્રીઓ ચૂપ રહેતી. અને યૌન શોષણ અંગે વાત કરે તો બદનામીનું કીચડ એમને જ ઉડતું. માટે સ્ત્રીઓ સહન કરી ‘મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી’ એવું માની લેતી. અને યૌન શોષણને પોષણ મળતું રહેતું.

સ્ત્રીની જાતીય સતામણીને વાચા આપતું #me too કેમ્પઈન હવે ભારતમાં પણ આવ્યું. સૌ પ્રથમ ગયા વર્ષે હોલિવુડમાં શરૂ થયેલું. હાર્વી વાઇનસ્ટીન નામની એક મોટી હસ્તી પર દેહ-શોષણનાં ઘણા આરોપો સામે આવ્યાં. એશ્લે જડ નામની ટોચની અભિનેત્રીએ વાઇનસ્ટીન પર દુર્વ્યવહારનો પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારબાદ રોઝ મેકગોવાન નામની અભિનેત્રીએ પણ હાર્વી પર બળાત્કારનો આરોપ લગાવ્યો. ગ્વીનેથ પોલ્ટ્રોવ, કારા ડેલવીને, લિયા સેડોકસ, રોઝના આરકવેટા, મીરા સોરવી જેવી 20થી વધારે અભિનેત્રીઓએ વાઇનસ્ટીન પર યૌન શોષણનો આરોપ મૂક્યો. અને સાથે સાથે જગવિખ્યાત એન્જલિના જોલીએ પણ કબુલ્યું કે તેને પણ હાર્વી સાથે ખરાબ અનુભવ થયો છે.

આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું અને શોષિત મહિલાઓને નવો અવાજ મળ્યો. હોલીવુડની અભિનેત્રી એલીસા મિલાનોને એક વિચાર આવ્યો કે આવી તો ઘણી મહિલાઓ હશે જેની સાથે દુર્વ્યવહાર થયો હશે. માટે તેને ટ્વીટ કર્યું કે, ‘જો કોઈ સાથે દુર્વ્યવહાર, બળજબરી કે યૌન શોષણ થયું હોય તો “#ME TOO” લખી ટ્વીટ કરે. બે દિવસમાં તો એક આંકડા મુજબ 53 હજાર જેટલા જવાબો આવ્યાં, અને પછી તો #me too સર્વવ્યાપી બન્યું. અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નવું જ અભિયાન શરૂ થયું.

ભારતમાં પણ અત્યારે #me too જોરશોરથી ચાલે છે અને કેટલાક માથાઓની કડચલીઓ વિખાવા લાગી. તનુશ્રીનો મુદ્દો હજી ઉકેલાયો નથી ત્યાં બીજા મુદ્દાઓ બહાર આવતાં જ જાય છે. અભનેત્રીઓ, જોબ વર્કરો, અને કોઈપણ જગ્યાએ જાતીય શોષણનો શિકાર બનેલી સ્ત્રીઓ હવે #me too લખી પોતાની વ્યથા જાહેર કરે છે. અને આ વ્યથા ગંભીર અને સેન્સેટિવ છે. આંખ બંધ રાખી આવી પરિસ્થિતિને સત્ય માની તાત્કાલિક પગલાં ન લેવા જોઈએ. પરંતુ સાચું સત્ય બહાર લાવી સાચી બાબતો દર્શાવાનો પ્રયાસ કરે એવી આશા.

નહિ તો સમાજમાં દુર્વ્યવહાર ફેલાતા વાર નહિ લાગે. માન-પ્રતિષ્ઠા ને આબરૂ કોઈપણ વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે, અને જયારે આવો કાદવ ઉડે ત્યારે ક્ષણમાં જ માન-સન્માન ભૂંસાઈ જતું હોય છે. માટે જે સત્ય છે એ જ લોકોને દેખાડવામાં આવે તો સારું.

ફિલ્મ-જગત, સ્પોર્ટ્સ કે રાત-કારણ(રાજકારણ) કોઈપણ સ્થાન #me too ના તમાચાથી બચ્યું નથી. કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી ‘એમ.જે. અકબર’ પર સાત જેટલી પત્રકારો મહિલાએ આંગળી ચીંધી. અને જણાવ્યું કે, ‘અકબરે જાતે જ રાજીનામું આપી દેવું જોઈએ.’ હજી આ વિષયે કોઈ સત્ય ખુલ્યું નથી. સસ્પેન્સ ઘાટું બન્યું.

આ પહેલાં રાધિકા આપ્ટે જેવી ઘણી અભિનેત્રીઓ એ ‘કાસ્ટિંગ કાઉચમાં આઉચ’ જેવી બાબતોને વેગ આપ્યો હતો. ઋચા ચઢાએ તો એકવખત કહ્યું હતું કે, ‘જો બોલીવુડમાં યૌન શોષણને વાચા મળશે તો ઇન્ડસ્ટ્રીએ કેટલાય મોટા હીરો ને વારસાને ગુમાવવાનો વારો આવશે.’ અને આમપણ પડદા પર દેખાતા અભિનયની પાછળ ‘ક્યાં કુછ કરના પડતા હૈ..જનાબ’ છે જ. એમાં કોઈ શંકા નથી.

સલોની ચોપરા નામની એક્ટ્રેસએ પણ પોતાની આપવીતી રજૂ કરતાં સાજીદ ખાન ચિંતામાં છે. ઘણી મહિલાઓએ સાજીદ ખાન પર આરોપ લગાવ્યા છે તેથી તેને હાલ ‘હાઉસફુલ 4’નું શૂટિંગ રોકવું પડ્યું. પછી એક રાઇટર મહિલાએ પણ સુભાષ ધાઇ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

બૉલીવુડના સ્ક્રીન પાછળ ‘નૉટી-વુડ’ નચાતું આવ્યું છે પરંતુ પ્રસિદ્ધિની લાલચમાં હોઠ છુટ્ટા કરવાનું ટાળવામાં આવે, અને બે ત્રણ દાયકાઓ પછી #me tooના પડઘા કરે. “कुर्यात् रासभ-रोहणम् ” પ્રસિદ્ધિ માટે આવી કુરબાની!!

#me too ગુજરાતમાં પણ આવી ગયું. એક પ્રોફેસર અને એક બોલીવુડમાં કામ કરી ચૂકેલા વ્યક્તિઓ પર કીચડ ઉડયો હતો. જેમાં પ્રોફેસરવાળી વાત ખોટી છે અને બદનામ કરવાની ઈચ્છાથી આ વાતને પોષણ આપવામાં આવ્યું. હવે સાચું શું એ તો કોર્ટ જાણે. પરંતુ જો #me too પર ખુલ્લેઆમ કબુલાતો થશે તો મોટા મોટા માથાઓ બાકી રહે એવું લાગતું નથી.

વિસ વર્ષ પહેલાંની વાતો અત્યારે તાજી બને છે. મોટા લેવલે તો ઠીક પણ સામાન્ય જોબ માટે પણ કાસ્ટિંગ કાઉચ કે જાતીય સતામણી થાય છે, અને પરિસ્થિતિ સામે હારીને ઘણી મહિલાઓ મૌન રહે છે. હવે જોવાનું એ છે કે #me too કયાં જઈને અટકશે? કોણ કોણ બેનકાબ થશે? અને આમાં સત્ય કેટલું હશે?

સમાજ અને સ્ત્રીની નજરથી જોતા #me too નામનું દૂષણ છે એતો આપણે પણ જાણીએ છીએ. માટે #me too જરૂરી થા… હવે સત્યતા સુધી પહોંચશે કે નહીં એતો #me too જ જાણે…

લાસ્ટ વિકેટ

મેં પૂછ્યું કે, તું મારી સાથે સૂવા માંગે છે? તો તેણે કહ્યું કે, તું મૂર્ખ છે. કાસ્ટિંગ કાઉચનો અર્થ માત્ર એકવાર સાથે સુવાનો હોતો નથી..(સલોની ચોપરાની આપવીતીમાંથી). 6000ની જોબ માટે પણ આવું થાય છે જે બંધ થવું જોઈએ.

– જયદેવ પુરોહિત

15/10/2018

સંજોગ ન્યુઝ, અમરેલી

Leave a Reply

avatar
  Subscribe  
Notify of