Blog

મરાઠી ફિલ્મ બાબા : અવાજની ગરીબી

મરાઠી ફિલ્મ બાબા : અવાજની ગરીબી

માં-બાપ પોતાના છોકરાઓને બોલતાં કઈ રીતે શીખવાડતાં હશે?? ઘર, પરિવાર અને દુનિયા સાથે કઈ રીતે જોડી શકતાં હશે?? અને ખાસ તો એ કે, એ પોતે બાળકનો ઉછેર કઈ રીતે કરતા હશે?? શું એમનું બાળક પણ મૂંગુ જ રહે?? ખરેખર, વાત મનોમંથન કરવા જેવી ખરી.

મરાઠી ફિલ્મ ‘બાબા’ આવી જ એક વાર્તાને ઉઘાડ આપે છે. આ ફિલ્મ સુપરહિટ રહી. કારણ કે, સ્ટોરી વજનદાર હતી અને અનિભય એનાથી પણ વધુ વજનદાર. આ ફિલ્મ પાછળ પૈસા લગાવનાર બોલીવુડના ‘બાબા’ એટલે કે સંજય દત્ત છે. એમને આ સ્ટોરી પસંદ આવી એટલે પૈસા લગાવી દીધાં. અને પૈસાની નામના પણ મળી.

મરાઠી ફિલ્મો ધીમે ધીમે બધાનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી રહી છે. સાઈરાટ અને હવે બાબા. અમિતાભ બચ્ચન થી લઈ પ્રિયંકા ચોપરા સુધી બધા સિતારાઓએ મરાઠીમાં ફિલ્મો બનાવી છે. એમાં હવે સંજય દત્તનું નામ પણ સામેલ થઈ ગયું.

‘ બાબા’ શબ્દનો અર્થ થાય છે ફાધર. માધવ અને આનંદી મહારાષ્ટ્રના એક નાના ગામમાં દુઃખેથી રહેતા હોય છે. શંકર નામનો એક પુત્ર. એ મૂંગો હતો કે એમના માતા પિતા બન્ને અવાક એટલે એને બોલતા આવડયું જ નહિ!! કોંકણ નામે ગામ અને માધવ અને આનંદીની એ અજીબ દુનિયા. શંકર પણ વાણીએ ગરીબ. આ પરિવાર ગરીબ તો હતો પરંતુ એમને બોલી ન શકવાની ગરીબી વધુ પીડા આપતી હતી.

થોડા સમય બાદ શંકરની સાચી માતા આવે છે અને પોતાના પુત્રની માંગ કરે છે. અહીંથી ફિલ્મ રોચક બને છે. માધવ અને આનંદીને આ શંકર મળેલ પુત્ર હોય છે. પરંતુ એમનું ભરણ-પોષણ પોતાના પુત્રની જેમ જ કરે છે. મૂંગા હોવા છતાં બાળકને અપાર પ્રેમ આપ્યો છે. એમનાં બાળપણમાં પોતાની મોજ ફંફોળી છે. એમને અવાજની ગરીબી ન અનુભવાય એ માટે ગાંડા પણ કાઢ્યા છે. આ ફિલ્મમાં ડાયલોગ્સ નથી છતાં આપને એક એક શબ્દ સંભળાય છે. એક એક મૂંગો સંવાદ સીધો હૃદયએ અથડાય છે. માત્ર અભિનય જ ફિલ્મને જીવંત રાખે છે.

પિતા-પુત્રની આ વાર્તા જયારે કોર્ટમાં દાખલ થાય ત્યારે આપણા મનમાં પણ અનેક પ્રશ્નો જન્મે છે. કોર્ટ શંકર સાથે કેવો વ્યવહાર કરશે?? શંકરનું ભવિષ્ય કોંકણ ગામમાં જ રહેશે કે એમની સાચી માતા પલ્લવી સાથે જશે. માધવ અને આનંદી જેના હસવાથી હસતા રહેતા એ પુત્ર એમને છોડીને જતો રહેશે?? અનેક પ્રશ્નોના જવાબો જાણવા ફિલ્મ જોવું રહ્યું.

યાદ રહે કોર્ટ લાગણીઓને નથી માનતી. એતો પ્રમાણને જ સમજે છે. એ મુજબ શંકરે પલ્લવી જોડે જવું રહ્યું. અમે આમ પણ કોર્ટ ભવિષ્યનો વિચાર કરે તો બોલતી માતા પલ્લવી જ ન્યાય છે. પરંતુ માધવ અને આનંદી પણ પોતાના પુત્ર માટે ઝઝૂમે છે. ફિલ્મ ખરેખર હૃદયને ભીંજવે છે. એક સીનમાં સામે શંકર ભગવાનની મૂર્તિ હોય અને માધવ(દિપક ડોબરીયા) માત્ર પોતાના અભિનયથી સ્થિતિને જીવંત કરે છે. આપણને પણ એ પીડા શબ્દો વિના જ સહજ સ્પર્શી જાય. ફિલ્મને સમજવા જેવી ખરી.

ડાયરેકટર રાજ ગુપ્તાએ જબરદસ્ત કારકિર્દીની શરૂઆત કરી છે. અને સીનેગ્રાફી પણ આંખે ચોંટે એવી. શંકરનું પાત્ર ભજવનાર આર્યન મેઘજી. એક અવાક પાત્ર ભજવવું ખરેખર પડકાર હોય છે પણ ખુલ્લા હાથે પડકારને સ્વીકાર્યો છે. અને હમણાં નેટફ્લિક્સ પર આવેલી “15 ઑગસ્ટ” તેમાં પણ આર્યને અભિનયનો જાદુ પીરસ્યો છે.

ડાયલોગ્સથી ઢગલો પૈસા કમાતા ફિલ્મો સામે આ મૂંગા પાત્રોએ પોતાનો રુઆબ બતાવ્યો છે. શબ્દો નથી પણ વાર્તા બોલે છે. મુખ્ય પાત્રોનો અભિનય ફિલ્મને ઊચ્ચકોટીની બનાવે છે. અને દિપક ડોબરીયાની એક્ટિંગ ફરી રંગ લાવી. અને આમ પણ લો બજેટની ફિલ્મોમાં સ્ટોરી પાવરપેક હોય છે. હવે જુઓ અને અનુભવો એ પીડા જે માધવ, આનંદી અને શંકરે ભોગવેલી…!!

– જયદેવ પુરોહિત

Leave a Reply

avatar
  Subscribe  
Notify of