Blog

લૈલા : બિહામણું ભારત ૨૦૪૭

વાત છે ૨૦૪૭ની !!

તરસ હશે, પણ પીવા પાણી નહિ હોય! જીવવા માટે ચોખ્ખી હવા નહિ મળે! મન ફાવે ત્યારે બહાર જવાની કે ગમે ત્યાં ફરવા જવાની આઝાદી નહિ હોય! હશે લોકશાહી પણ ચાલતી હશે રાજાશાહી! સ્ત્રીઓને જાનવરની જેમ રાખવામાં આવતી હશે! છોકરા પેદા કરવાની મનાઈ હશે! નિયમોનું પાલન જ જીવ બચાવી શકશે. પ્રકૃતિ પૈસે મળતી હશે! જે પાણી બચાવી શકશે એજ જીવી શકશે… શું ખરેખર?? નહીં, નહિ, આ કોઈ જોક્સ હોય શકે. પરંતુ આ સ્ટોરી છે એક વેબસિરિઝની.

“લૈલા” નામની વેબસિરિઝએ ભારતનું આવું વિચિત્ર ભવિષ્ય દર્શકોને દેખાડ્યું છે. લોજીકલી પણ આવું શક્ય લાગતું નથી.  જો કે આ એક કલ્પના છે. આ વેબસિરિઝમાં હુમા કુરેશીએ મુખ્ય પાત્ર ભજવ્યું છે. અને આખી સિરીઝમાં એજ નજરે પડે છે.

અત્યાર સુધીની બધી વેબસિરિઝ કરતા આ કઈક અલગ છે. ડરામણી છે. એવું દર્શાવાયું છે કે, 2047માં ભારત પ્રદુષણથી ત્રસ્ત હશે. પાણીની અછત એટલી હશે કે એક એક બુંદ વેંચાતું મળશે. જેમની પાસે પાણી હશે એજ જીવન જીવશે. પાણી એક ધર્મ હશે. કર્મ હશે. બધું પાણી જ હશે. કારણ કે, માણસ ઉદારતા પૂર્વક પાણી વેડફે છે. માત્ર સૂત્રોચ્ચાર કરવાથી કે ભાષણો કરવાથી પાણી બચતુ નથી. પાણી બચાવવા કામ કરવું પડે. પણ બધા સલાહ દેવામાં વ્યસ્ત છે.

આ કહાની છે સલોની રિઝવાન ચૌધરી(હુમા કુરેશી)ની. પોતાના પતિ અને લૈલા નામની દીકરી સાથે જીવતી એક સ્ત્રી.    એક દિવસ સ્વિમિંગ પુલમાં આખો પરિવાર મજા માણતો હોય છે, અચાનક એક ટોળકી આવે અને લૈલા અને સલોનીને કિડનેપ કરી જાય છે. સલોનીને જે જગ્યાએ લઈ જવામાં આવે છે એ જગ્યા કયારેય ન જોયેલી લાગશે.

જ્યાં  સ્ત્રીઓને “પવિત્ર” બનાવવા પરીક્ષાઓ લેવામાં આવે. કર્મ, ધર્મ, જાતિ, ભેદ બધા જ વિષયને વણી લીધા છે. કટાક્ષ પણ સારા કર્યા છે. સાલીની જ્યાં પવિત્ર પરીક્ષણમાં હોય છે ત્યાં બીજી અનેક સ્ત્રીઓ હોય છે. અને આ કામ સાથે રાજનીતિને સારી રીતે જોડવામાં આવી છે.

સલોની ત્યાંના નિયમોનું પાલન કરી બહાર નીકળી પોતાની દીકરી લૈલાને શોધવાની હોય છે. પરંતુ આમાં બતાવેલ સ્થિતિ કઈક અલગ જ છે. વરસાદમાંથી કાળું પાણી પડવું,પીવાનું પાણી ખરીદવું, લોકોમાં વિભાગો પડી જવા, બધા જ માણસમાં એક એન્ટી ચિપ ફિટ હશે, સ્ત્રીઓને બીજા ધર્મમાં લગ્ન કરવાની મનાય, ગૈર મર્દ સાથે વાતો કરવાની મનાય, પિતાની સમૃદ્ધિમાંથી પોતાનો ભાગ માંગવાની મનાય, જો કોઈ આવું કરે તો એમને આશ્રમમાં પવિત્ર થવા જવું પડશે. સરકાર જ સર્વોપરી. રાજાશાહી અતિ કડવી હશે. આઝાદી ગુલામ બની જશે.

પ્રયાગ અકબરે લખેલી પુસ્તક “લૈલા” પરથી આ વેબસિરિઝ બનાવવામાં આવી છે. દીપા મહેતાએ નિર્દેશન કરવામાં કોઈ કચાશ રાખી નથી. લોકેશન પણ ઉત્તમ. અમીરી, ગરીબી, જેવા પોઇન્ટ સારી રીતે શૂટ કર્યા છે. હુમા કુરેશીએ સારી એક્ટિંગ કરી છે. આ વેબસિરિઝ બધાંથી કઈક ખાસ છે. કારણ કે એક એવા ભવિષ્યની વાત છે કે, એ સમયે જીવવા કરતા મરવું સરળ.

આવી અનોખી વેબસિરિઝ જોઈને પોતાના વિચારો પણ દોડાવા જેવા ખરા. આવું તો નહિ હોય 2047માં, પરંતુ પાણીનો પ્રશ્ન જરૂર હશે.

લૈલા, એક બિહામણા ભવિષ્યની રૂપરેખા. જુઓ અને માણો.

– જયદેવ પુરોહિત

Leave a Reply

avatar
  Subscribe  
Notify of