Blog

મુજકો દેખા હૈ જબસે મેરી આંખોને….

આકર્ષણ એ પ્રેમનું એક સોપાન માનવામાં છે. પહેલાં આંખને ગમે અને પછી હૃદયને. ખુલ્લાં મનનાં જમાનામાં આકર્ષણ કોઈપણ સાથે થઈ શકે. પુરુષ-પુરુષ, સ્ત્રી-સ્ત્રી, પુરુષ-સ્ત્રી એ સહજ છે. કોઈની સાથે પ્રેમમાં હોવું એ ખરેખર પ્રાકૃતિક ઘટના છે. પરંતુ એકવખતે કરીના કપૂરે ફિલ્મમાં કહી દીધું કે, “મેં તો અપની ફેવરિટ હું” એટલે હવે બધા સ્વપ્રેમી બની ગયા. આમ તો પોતાને પ્રેમ કરવાની વાતો પણ એટલી જ જૂની છે જેટલી મનુષ્ય જાત.

એક અત્યંત ખૂબસૂરત નગ્ન છોકરો હતો. જેનું નામ નારસીસસ. એક દિવસ એ એક વહેતાં ઝરણાં પાસે આવે છે. એણે ચારેતરફ નજર કરી. ત્યારબાદ એણે પાણીમાં એનું પોતાનું જ પ્રતિબિંબ જોયું. પોતાનું રૂપ જોઈને એ નગ્ન છોકરો પોતાનાં જ પ્રતિબિંબના પ્રેમમાં પડી ગયો. પ્રેમમાં તો પડ્યો પણ એવો પડ્યો કે તડપી-તડપી મરી ગયો. આ એક પ્રાચીન ગ્રીક દંતકથા છે. આ પાત્ર એટલું ફેમસ છે કે કવિઓ થી લઈ મોટીવેશનલ સ્પીકરો અને સેક્સ્યુઅલ સાઈકોલોજી સુધી બધા જ આના ગુણગાન ગાતા રહે છે. પોતાને પ્રેમ કરવો અને પોતાના પ્રેમમાં જ મરી જવું. ખરેખર પ્રેમની અહીં પરાકાષ્ઠા કલ્પવામાં આવી.

રોમન કવિ ઓવિડ તો એવું અર્થઘટન કરે છે કે, નારસીસસને ખબર જ ન હતી કે એ પોતાનું જ પ્રતિબિંબ હતું. આધુનિક માનસશાસ્ત્રની એક આખી વિચારધારા નારસીસસ પરથી આવી છે. નારસીસસ કોણ? પુરુષ હતો કે સ્ત્રી? આપણે અહીં એક નાની વાર્તાનાં અઢળક અલગ અલગ અર્થઘટનો વિદ્વાનો દ્વારા યુગે યુગે થતાં રહ્યા છે. કોઈ એને ખૂબસૂરત કમનીય સ્ત્રી માને છે તો કોઈ એને સ્વપ્રેમી પુરુષ. પરંતુ વાત છે અહીં પોતાના પ્રેમમાં પાગલ થવાની.

પુરુષો સ્ત્રીઓના પ્રેમમાં હોય છે પણ સ્ત્રી સામાન્ય રીતે પોતાના જ પ્રેમમાં હોય છે. સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ સ્વપ્રેમી હોય છે. પુરુષ પોતાના દેખાવ અંગે થોડા બેદરકાર હોય છે અને સ્ત્રી દેખાવ બાબતે ક્યારેય ચલાવી ન લે. સ્ત્રી જયારે પરિપક્વ થઈને વિકસિત બને છે ત્યારે તેની અંદરનો નારસીસિઝમ(સ્વપ્રેમ) જાગી જાય છે. અને ક્યારેક એ અહંવાદી બની જાય છે એવું માનસશાસ્ત્રનું તારણ છે.

દરેક કલાકાર, કવિઓ, રમતવીરો વગેરે સ્વપ્રેમી હોય છે. એક સેક્સવિશારદ હેવલોક એલિસે એક જાપાનીઝ કહેવતમાં નીચે લખ્યું હતું કે, “જો તમને બીજાના પ્રેમની જરૂર ન હોય તો દર્પણ તમને તમારા પ્રેમમાં પડવામાં સહાયક થાય છે.”

દર્પણ એ પુરુષ માટે માત્ર ચહેરો જોવાનું સાધન હોય શકે પરંતુ સ્ત્રી માટે એ આત્મા હોય છે. આસપાસની દુનિયાને થોડી બાજુ પર રાખી પોતાનામાં મશગુલ રહેવું એ એક કલાકારનું લક્ષણ છે. પોતાનામાં ખોવાય જવું અને પછી પોતાનામાંથી જ કંઈક શોધવું એ સર્જન છે. યુરોપની વિચારધારામાં ખરેખર મહાન નામો એવાં છે જે પોતાના પ્રેમમાં હતાં. … પ્લેટો,એરિસ્ટોટલ, કેન્ટ, ન્યુટન, સ્પિનોઝા, નિત્સે… અને આ બધા અપરિણીત હતા.

પોતાના પ્રેમમાં હોવું એટલે કે આપણે સુંદર થઈ જવું એ નહીં. જેવા છીએ… જે છે.. એનો સંપૂર્ણ સ્વીકાર. હમણાં આવેલ બાલા ફિલ્મનાં ઊંડાણમાં આજ વાત છે. જયારે તમને દુનિયાની વાતોથી કોઈ ફરક નથી પડતો,કોઈના બે વાક્યોથી આપણે ખામોશ નથી થઈ જતા, ત્યારે અનેરો સંતોષ મળે છે. આવી સ્થિતિમાં ડિપ્રેશન નથી થતું. માટે મુજકો દેખા હૈ જબસે મેરી આંખો ને…

આપણો દેખાવ એ આપણું જ પ્રતિબિંબ છે. આપણને ગમશે તો બીજાને ગમશે. બાકી અહીં રૂપવાન સમાજમાં કુરૂપ કોમેન્ટો કરનારા ઢગલાબંધ છે. માટે નારસીસ્ટિક હોવું એ એક સમાધિ અવસ્થા જ છે.

જે પોતાને પ્રેમ કરે છે એને બધા પ્રેમ કરે છે. આ લક્ષણ સ્ત્રીઓ પાસે સહજ છે. રશિયન લેખિકા માદામ લખે છે કે, “હું મને જ પ્રેમ કરું છું. હું જ મારી ઈશ્વર છું.”

સદા આનંદમય રહેવું હોય તો પોતાનાં પ્રેમમાં હોવું જરૂરી છે. દર્પણ એ ખાલી આકાશ છે. જ્યાં આપણે પ્રેમના રંગો વિચારી શકીએ અને જાતને વધુ પ્રેમાળ જોઈ શકીએ. દર્પણ એ આપણું રૂપ નથી બતાવતો પરંતુ આપણી માનસિકતા ઉપસાવે છે. નારસીસસ યાદ રહે ન રહે પરંતુ સ્વપ્રેમ તો થવો જોઈએ કે નહીં! શું કહેવું છે તમારું??

ટીક ટૉક

હઝારોં સાલ નરગિસ અપની બેનૂરી પૈ રોતી હૈ
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદવર પૈદા  (અલામા ઈકબાલ)

(હજારો વર્ષોથી નરગિસ પોતાના સૌંદર્યને રડી રહી છે. બહુ જ મુશ્કેલીથી એને પારખનાર પૈદા થાય છે)

– જયદેવ પુરોહિત

20/11/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

Leave a Reply

avatar
  Subscribe  
Notify of