Blog

“હિકિકોમોરી” કભી નામ સુને હો કા…..

કોઈ કિડનેપ કરીને આપણને કોઈ ઘરમાં બંધ કરી રાખે એ વાત સમજાય પરંતુ કોઈ વ્યક્તિ આપમેળે પોતાના જ ઘરમાં પોતાને જ કિડનેપ કરીને જીવે તો શું કહેશો??

હું વાત કરી રહ્યો છું નેટફ્લિક્સ પર આવેલી એકદમ લેટેસ્ટ ફિલ્મ “હાઉસ અરેસ્ટ” વિશે. લાખોપતિ સફળ માણસ પોતાનાં આલીશાન ઘરમાં પોતાને જ બંધ કરી રાખે છે. ન કોઈ ચિંતા કે ન કોઈનો દબાવ. બસ, સ્વેચ્છાએ જાતનું કરેલ કિડનેપ. એટલે કે, નક્કી કરે છે કે, જ્યાં સુધી અંદરથી ઈચ્છા ન થાય કે, હવે બહુ થયું. હવે બહાર જવું છે ત્યાં સુધી ઘરની બહાર પગનો અંગુઠો પણ મુકવો નહિ. છે ને ગજબ…

આપણે બધા ક્યાંક પહોંચવા માંગતા હોઈએ અને પછી ત્યાં પહોંચી બધું છોડી શાંતિથી જીવવા માંગતા હોઈએ. બસ, એક વાર આ મળી જાયને પછી શાંતિ…. એકવાર આટલાં રૂપિયા ભેગા કરી લઉં પછી નિરાંત… આવુ તો ઘણું બધું. પરંતુ હકીકતમાં કંઈ થતું નથી. આપણે માત્ર દોડતાં જ રહીએ…

તો આ ફિલ્મનાં લીડ રોલમાં છે કરણ(અલી ફઝલ) તે એક નામાંકિત સફળ માણસ હોય છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી એ માત્ર પોતાના આલીશાન ઘરમાં બંધ રહેતો હોય છે. કોઈ પણ વસ્તુની જરૂર કેમ ન પડે પરંતુ બહાર નઈ જવાનું એટલે નહિ જ જવાનું. એક વખત એમની પાડોશી અને એમની ફ્રેન્ડ પિંકી આવે છે અને એક બોક્સ ત્યાં રાખી જાય છે જબરદસ્તીથી. એમાં હોય છે કિડનેપ કરેલ એક વ્યક્તિ… અને કરણનો એક બેસ્ટ ફ્રેન્ડ JD(જીમ) હોય છે. એકદમ રંગીલો મિજાજ.. એ કરણને બહાર કાઢવાની કોશિશ કરે છે અને કરણને કોઈ છોકરી સાથે સેંટિંગ કરવા પણ પ્રેરણા આપતો રહે છે. સાઈરા(શ્રીયા) એક જર્નલિસ્ટ હોય છે તે કરણનું ઇન્ટરવ્યૂ લેવાં આવી જાય છે અને પછી સ્ટોરી વધુ રમતિયાળ બને છે. આ ફિલ્મ કોઈ થ્રિલર કે સસ્પેન્ડ નથી પરંતુ એક હળવું કોમેડી ફિલ્મ છે.

જુઓ તો તમને એમાં કઈક નવીન દેખાશે. પણ મને જે વાત ગમી તેની વાત કહું તો.. ઘરનું ડેકોરેશન. અફલાતુન. ક્રિએટિવિટી આંખોને ગમે તેવી. આપણે જે માચિશના ખાલી બોક્સ ફેંકી દઈએ એમાંથી પણ એક સરસ વોલ ફોટો બનાવી શકાય અને મફતમાં ઘરને ક્લાસિક લુક આપી શકાય. એ વસ્તુ સરસ રીતે દર્શાવેલી છે. તમને ઘરની નાનામાં નાની વસ્તુ પણ ગમશે. બીજી વાત આખું ફિલ્મ એક જ ઘરમાં શૂટ કર્યું છે. એડીટીંગમાં પણ ક્રિએટિવિટી દેખાશે. અને અલીની એક્ટિંગ અને શ્રીયા સાથેની કેમેસ્ટ્રી જોવાની મજા આવશે.

ફિલ્મમાં એક નવો શબ્દ સાંભળવા મળશે “હિકીકોમોરી”, આ એક જાપાનનો કોન્સેપ્ટ છે. લોકો જાહેર લાઈફથી કંટાળીને થોડાં દિવસ ઘરમાં જ બેસી રહે છે. આ પ્રક્રિયાને હિકીકોમોરી કહે છે. અને ઘણા ડિપ્રેશનમાં આવીને પણ ઘરમાં પુરાય રહેતા હોય છે. પરંતુ આ ફિલ્મમાં એક સારો મેસેજ છે કે દોડધામ થોડી ઓછી કરી થોડા દિવસો માત્ર ઘરમાં જાત સાથે મજા માણવાની પણ મજા છે.

એક હળવું કોમેડી ફિલ્મ છે. પરંતુ કોન્સેપ્ટ કઈક અલગ છે અને સારી રીતે સ્ટોરી લખવામાં આવી છે બાકી તો જોશો તો જ એમની હળવી કોમેડી માણી શકશો. 280 જેટલા દિવસો એ ઘરમાં જ રહે છે જો કે એવું આલીશાન ઘર હોય તો 1280 દિવસ પણ ઓછા લાગે.

બે-ત્રણ દિવસ આ રીતે અનુભવ લેવા જેવો ખરો. કઈક તો નવું મળશે કા આપણી અંદરથી કા ઘરમાંથી….

– જયદેવ પુરોહિત

Leave a Reply

avatar
  Subscribe  
Notify of