Blog

ગાંધી@૧૫૦ : હવે ફિલ્મોમાં થશે ગાંધી ગાંધી…

છેલ્લાં ત્રણ મહિનાનાં સમયગાળામાં મોદીએ ફિલ્મી દુનિયા જોડે બે મિટિંગ કરી. હવે મોદી અને ફિલ્મીસ્તાનને દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી.  છતાં એ વિચારો વહેંચવાનું ક્યારેય ચૂકતાં નથી. ફિલ્મી સિતારાઓ એકસાથે ભેગા થઈ અને મોદીજીને ધ્યાનથી સાંભળે. કેવી અજબ વાત છે.

સમગ્ર ભારતમાં ગાંધી@૧૫૦ ઊજવાય રહ્યું છે અને આખું વર્ષ ઊજવાશે પણ. જરૂરી પણ છે. વિચારોને લોકો સુધી કઈ રીતે પહોંચાડવા એ તરકીબનો જવાબ મોદીજી પાસે સરળતાથી મળી રહે. મોદીએ વિચારો વ્હેચ્યાં અને ફિલ્મી દુનિયાએ બે હાથે ઝીલ્યાં. 

ફિલ્મ માત્ર મનોરંજન નથી. ફિલ્મ માત્ર ત્રણ કલાકની સ્ટોરી નથી હોતી. આપણાં મન પર સૌથી વધુ ફિલ્મો અસર કરે છે. તેરે નામ ફિલ્મ આવે અને આખા દેશના જુવાનિયાઓની હેર સ્ટાઇલ બદલી જાય. ફરી ગજની ફિલ્મ આવે એટલે એ જ લોન્ગ હેર શોર્ટ થઈ જાય. ઉઠતાં, બેઠતાં અને ચાલતાં આપણાં મનમાં ફિલ્મોનો નશો રગેરગમાં દોડતો જ રહે છે. માટે આખા દેશનું જો વાતાવરણ બદલવું હોય તો એક ફિલ્મ આસાનીથી બદલી શકે છે. હવે તો સરકાર પણ બૉલીવુડને આઈડિયા આપે છે અને ખર્ચમાં ભાગીદાર પણ બને છે. 

સલમાન, શાહરુખ, આમિર, આલિયા ભટ્ટ વગેરેના અવાજમાં રાજુ હીરાણીએ ગાંધીજીના વિચારોને દુનિયા સમક્ષ હમણાં રજૂ કર્યા. જે અત્યારે સોશિયલ મીડિયામાં અત્ર  તત્ર સર્વત્ર નજરે પડે છે. એ વિડીયો એક દિવસમાં બની ગયો પરંતુ એની અસર ઘણા લોકોના જીવનમાં ઘણા વર્ષો સુધી રહેતી હોય છે. એ આઈડિયો પણ મોદીજીએ જ આપ્યો છે. આમ જોઈએ તો મોદીએ બધા ડાયરેકટર અને અભિનેતાઓને શીખવ્યું કે, “તમે ધારો તો ભારતમાં સકારાત્મકતા લાવી શકો છો. તમારી પાસે પાવર છે. તમારે માત્ર ફિલ્મો બનાવી મનોરંજન નથી કરવાનું, તમે પણ ભારત નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકો.”

આવનાર ત્રણ ચાર વર્ષમાં આપણને ગાંધીજીના વિચારો અથવા ગાંધીજીને સ્પર્શતી ફિલ્મો જોવા મળશે જ. મોદીએ બધાને ટકોર કરી કે તમે પણ ગાંધી @૧૫૦ ઉજવો અને એમના  વિચારોને લોકો સુધી પહોંચાડો. કારણ કે, “ગાંધી એટલે તમે ગમે ત્યાં સાથે લઈ જઇ શકો એવું વ્યક્તિત્વ.” સાથે સાથે અરસપરસ વિચારોની આપ લે પણ થઈ અને મુલાકાત બાદ મોદી ખુદ બધા પાસે જઇ વાતચીત કરતા હતા. સ્વભાવમાં જેટલી સરળતા એટલી જ કામ કઢાવવામાં અગવડતા. 

ગાંધી પર ફિલ્મો બની છે પણ ધમાકેદાર અથવા કાયમ યાદ રહે એવી બૉલીવુડ ફિલ્મ એકપણ યાદ આવતી નથી. તો હવે આવનાર પાંચ વર્ષમાં ગાંધી પર ફિલ્મોની વર્ષા થાય તો નવાઈ નહિ. અને થવી પણ જોઈએ. ગાંધીજીના વિચારોમાં ભારતીયતા છે. માટે જન જન સુધી ગાંધી પહોંચવા જ જોઈએ. આ મુલાકાતની અસર ઘણા વર્ષો પછી આપણને અનુભવાશે. 

પણ નક્કી, હવે હીરો-હિરોઇન અને નિર્માતાઓની નજર બદલી હશે. ફિલ્મો રજૂ કરવાનો નવો એક દૃષ્ટિકોણ મળ્યો હશે. મોદી એટલે જ લોકપ્રિય છે. લીડર પાસે હંમેશા બધા ક્ષેત્રના વિચારો હોવા જ જોઈએ. પછી ભલે એમને એ કાર્ય ન આવડતું હોય પણ રસ્તો બતાવી શકે એવાં વિચારો તો જોઈએ. ધોની બોલિંગ કરવા આવે તો વિકેટો નથી પડતી પરંતુ સ્ટમ્પ પાછળથી માત્ર ઈશારા કરે તો આપણા બોલરો હિટ થઈ જાય છે. જેમની પાસે વિચારોની ખાણ છે એમની જ અહીં ઓળખાણ છે.

ચલો હવે રાહ જોઇએ ગાંધીજી પર આવનાર ક્રિએટિવ દુનિયાની. ફિલ્મો, વેબ સિરીઝ, ગીતો, અરે અનેક જગ્યાએ હવે ગાંધીજી ગાંધીજી થશે. ખરા અર્થમાં ગાંધી @૧૫૦ ઉજવાશે. ગાંધીજી કેવા હતાં, અથવા ગાંધીજી કેમ મહાન બન્યાં, જો આવા પ્રશ્નો મનમાં હોય તો મારી એક સલાહ છે કે, કોઈપણ વ્યક્તિને આનો જવાબ પૂછો નહીં. ખુદ ગાંધીજી વિશેની બેસ્ટ બેસ્ટ પુસ્તકો વાંચો. આપમેળે તમને ગાંધીજી સમજાય જશે. 

ચલો ગાંધીજીની બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે ને દેશ પણ એ ફિલ્મોને આવકારવાનો છે. ફિલ્મો આવે ત્યાં સુધીમાં આપણે પણ થોડા ગાંધી વાંચી લઈએ….

– જયદેવ પુરોહિત

25/10/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

Leave a Reply

avatar
  Subscribe  
Notify of