Blog

કે હુઆ ચહેરા ‘બુઢ્ઢા’ રે

યુવા ભારત બે દિવસમાં વૃદ્ધ ભારત બની ગયું. એટલે કે બે ત્રણ દિવસમાં સોશિયલ મીડિયામાં બધા “old age person” બની ગયા. સેલિબ્રિટીથી લઈને દરેક મોબાઈલ યુઝરે પોતાનો ફોટો “face app” પર ફિલ્ટર કર્યો છે. આ એક ફોટો એડિટ ફિલ્ટર છે અને તેમાંથી મળતો ક્ષણિક રોમાંચ છે.

ઘણા ખરાને તો આ વાત પચી નહિ. માટે ઇમોશનલ આર્ટિકલો લખી નાખ્યા. “અત્યારની યુવા પેઢી ખોટા માર્ગે છે… આવી ઘેલછામાં જ સમય પસાર કરે છે… ખબર નહિ આ યુવા પેઢી ક્યાં જઈને અટકશે..” આવા પણ હોય છે. વાત વાતમાં ઇમોશનલ બની મજાની સજા કરી નાખે. એવા જીવડાઓ દુઃખી રહેવામાં જ જીવનનું અંતિમ સત્ય સમજતા હોય છે. જેને સાચે જ દરેક વાતમાં ઇમોશનલી તથ્ય દેખાતું હોય તો એમને કોઈ સારા દવાખાને જવું જોઈએ. ખેર, જવા દો.. આપણે તો મોજીલા માનવી.. ક્ષણિક આનંદનો રોમાંચ પણ નહિ મુકવાનો.

સોશિયલ મીડિયામાં રોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે અને થોડા દિવસોમાં શાંત પણ થઈ જાય. ઘણી એપ્લિકેશન આવી, ચગી, અને પડી. ભુલાઈ ગઈ. બસ, આવી જ એપ છે face app. પણ ફાયદો થયો એપ બનાવનારને. થોડા જ દિવસોમાં નંબર વન એપ. લગભગ દરેક બીજા વ્યક્તિએ આ એપ પર પોતાનો ફોટો બનાવ્યો છે. એટલે કે એમનો વપરાશ કર્યો છે. મજા છે. પોતાને વૃદ્ધ જોવાની પણ મજા છે. એમને પોસ્ટ કરી થતી કોમેડી કૉમેન્ટ્સ વાંચવાની પણ મજા છે. અને આજ તો છે સોશિયલ મીડિયા. રોજ કઈક નવું આવે, વાપરો, ચાવો અને ફેંકી દો.

નવરા બેઠા અફવાઓ ફેલાવનારા ક્યાં ઓછા છે? ફેસ એપ સિક્યોર નથી… ફેસ એપ ડેટા ચોરે છે… ફેસ એપ ફોનમાં રહેલ બધા જ ફોટોસ ચોરી લે છે. ફેસ એપ બધાના ડેટા થર્ડ પાર્ટીને આપે છે. બ્લા..બ્લા…!! પણ આવું કશું નથી.

રશિયન ડેવલોપર દ્વારા આ એપ તૈયાર કરવામાં આવી છે. ઘણા ચહેરાઓનું એનાલિસિસ કરી આ એપમાં ફિલ્ટર ઉમેરાયા છે. આ નવું જરાય નથી. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને  બીજી હજારો એપ્લિકેશન આવા ફિલ્ટરો આપે જ છે. પણ આ એપ વાયરલ થઈ ગઈ એટલે ચર્ચામાં આવી. ઉઠતા પ્રશ્નોના જવાબ પણ ડેવલોપરએ આપ્યા છે. “અમે કોઈપણ થર્ડ પાર્ટીને ડેટા નથી આપ્યા. અને ફોટો એડિટ કરવાથી બધા ફોટોસ અમારી પાસે નથી પહોંચતા. તમે જે ફોટો સિલેક્ટ કરો એજ ફોટો એપના ડેટામાં સેવ થાય છે. અને આ એપ ફિલ્ટર પણ બીજા સોફ્ટવેર પાસે કરાવે છે.” એટલે આ એપ રિસ્કી નથી. અને રહી વાત રિસ્કની તો, મોબાઇલની દુનિયામાં જ્યાં જ્યાં id માંગે છે  એ કોઈ જગ્યા સેફટી નથી. આપણું લોગ ઈન થવું, આપણી સ્વીકૃતિ છે. એમના નિયમોનો સ્વીકાર છે. લગભગ મોટા ભાગે આપણે એમની પોલિસી વાંચવાની જરૂર લાગતી નથી. માહિતી નાખી તરત ok દબાવવામાં જ માનીએ છીએ.

આ એપ અત્યારે 100 મિલિયન પ્લસ યુઝર્સ ધરાવે છે. આ તાકાત છે મોબાઈલ યુગની. માત્ર બે કે ત્રણ દિવસમાં કરોડો પતિ બનાવી શકે છે. બસ, તમારી એપ વાયરલ થવી જોઈએ. ભલે માત્ર પંદર દિવસ માટે ફેમસ થાય. પણ ફેમસ થવી જોઈએ. ફેસ એપ કઈક નવી છે. અને પોતાને વૃદ્ધ જોવું તો ગમે, ભલે થવું ન ગમે.

આ એક રોમાંચ છે. મોબાઈલમાં દરેક ક્ષણે કંઈક નવું છે. આપણાં સુધી પહોંચે એટલે આપણે રોમાંચ અનુભવીએ.

આવું તો ઘણું આવશે. બાકી, આપણાં ડેટા ઓનલાઈન દુનિયામાં સેફ નથી. આપણાં મોબાઈલમાં ઘણા એવા મેસેજીસ કે ઈમેલસ આવતાં હશે કે જ્યાં આપણે કયારેય લોગ ઈન પણ નથી કર્યું. મતલબ, કે આપણા ડેટા થર્ડ પાર્ટી પાસે છે.

આ માત્ર એક આનંદ છે ફોટો ફિલ્ટર કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો. અને આ “ફેસ એપ” પહેલી એપ્લિકેશન છે ઓલ્ડ એજ ફોટો એડિટની એવું પણ નથી. સર્ચ કરો તો લાબું લિસ્ટ ખુલશે. અને આ ફેસ એપમાં માત્ર ઓલ્ડ એજનું જ ફિલ્ટર છે એવું પણ નથી. તમે ધારો તેવો ચહેરો ફિલ્ટર કરી શકો છો. અને આ એપ કોઈ લોગ ઈન id નથી માંગતું.

જમાનો જ ફોટો અને વિડીયોનો છે તો ફિલ્ટરની જરૂર પડશે જ ને. હજી તો એવું ઘણું આવશે જે આપણે ક્યારેય વિચાર્યું જ નહીં હોય. આવવા દો, માણો, વાપરો, જાણો અને રોમાંચ લો.

બાકી… આ ઓનલાઈન બજારમાં કોઈ સેફ નથી. સબ એક જૈસે હી હૈ.. !!

ટીક ટૉક

ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે… !!(હિન્દી ગીત)

– જયદેવ પુરોહિત

Leave a Reply

avatar
  Subscribe  
Notify of