Blog

આવા “સાહેબ” ન જોઈએ !!

“સાહેબ” આવે છે. બે મહિના પહેલાં આ વાક્ય ગુજરાતી મીડિયામાં ભારે ગરમ રહ્યું. સ્ટોરીમાં મલ્હારનો ફોટો હોય અને સાથે સાહેબ આવે છે લખેલું હોય. ટ્રેલર જોયું એટલે અંદાજો થઈ ગયો કે ફિલ્મમાં શિક્ષણ વ્યવસ્થાને તમાચો મારવામાં આવ્યો છે. એજ કોલેજ રાજકારણ અને વિદ્યાર્થી શોષણ. મલ્હાર ઠાકર એટલે ગુજરાતીઓનો એકમાત્ર લાડલો હીરો. અને સાહેબ આવીને જતા રહ્યા. જેમ તડકામાં પવનની લ્હેરખી.

શાળા-કોલેજોમાં શિક્ષણ પ્રાપ્ત થાય કે નહીં પરંતુ જાતિવાદ, ભેદભાવ અને અન્યાય જરૂર શીખવા મળે. કેવું નગ્ન સત્ય કહેવાય કે વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થી  ભેદભાવનો ભોગ અને અન્યાયનો શિકાર થઈ જાય. અને એ પણ શિક્ષણનાં ક્ષેત્રમાં. ભારત કદાચ મહાસત્તા બને કે ન બને પણ જો પ્યોર શિક્ષણ રાજનીતિરહિત અને વિદ્યાર્થીઓના શિકારરહિત એજ્યુકેશન બનાવી શકે તો એ મહાસત્તા જ છે. સાહેબ ફિલ્મનો વિષય દમદાર લાગ્યો. પણ ફરી એજ ત્રણ કલાકના અંતે અંક ઝીરોને ઝીરો. જ્યાં ફિલ્મનો અંત થયો ત્યાંથી શરૂઆત કરવાની જરૂર હતી.

હલકટ મેનેજમેન્ટ અને પૈસા ખાઉંધરા લાગણીહીન નિષ્ઠાહીન કહેવતા પ્રોફેસરોના ભેળસેળ પરિણામોથી કંટાળી ફિલ્મમાં એક આત્મહત્યા થાય છે. જે મલ્હારની બહેન. ખાસ કોલેજ લાઈફમાં આવું સરળતાથી અનુભવી શકાય. શાળા-કોલેજ કે યુનિવર્સિટીમાં આવી નીચ પ્રવૃતિઓ થતી હોય છે. ખબર હરએક સ્ટુડન્ટસને હોય છે પણ “ગાંધીજી” બને કોન!! વિરોધ કરો એટલે એક ટીમ બને અને એ ટીમમાંથી જ એક સત્યવાદી લીડર સમાજને મળવો જોઈએ. વિરોધ આવશ્યક છે પરંતુ નિર્ણય સુધી પહોંચે તો!! નહીં તો સાહેબ ફિલ્મ જેવું થાય.

હવે મલ્હાર બન્યો સાહેબ. એટલે કે કોલેજ મેનેજમેન્ટ અને રાજ્યની શિક્ષણ સમિતિનો વિરોધી. મિત્રો સાથે આંદોલન શરૂ કર્યું અને જોડાયા બધા સ્ટુડન્ટ. શોધખોળ થઈ. શિક્ષણ વિભાગનો પડદા પાછળનો ચહેરો ખુલ્લો કર્યો. જે શાળા કે કોલેજમાં વિદ્યાર્થીને વિદ્યાર્થી નહીં પરંતુ “એક ફી પેઈડ પર્સન” ગણાતો હોય, મેનેજમેન્ટને  માત્ર પોતાની સંખ્યા પૂર્ણ કરવામાં રસ હોય ત્યાં ન ભણવું જોઈએ” મલ્હારે રાજ્યની કોલેજો બંધ કરાવી, યુવા પેઢીને જાગૃત કરવાની ક્ષમતા બતાવી, શિક્ષણ અધિકારીઓને લલકાર્યા, જાણે રાજ્યમાં હવે કઈક બદલાવ આવશે. કોલેજની કમાણી મુખ્યમંત્રી સુધી પહોંચે છે એ વાત ફિલ્મમાં સહજ બતાવી છે.

આપણે સમાજમાં એક ફેશન ચાલે કે વિરોધ કરી હીરો બનો. પછી લોકોનું કલ્યાણ થાય કે ન થાય પરંતુ પોતાનું પેટ ખાલી ન રહેવું જોઈએ. ગાંધીજી જેવી સત્ય લડત વિચારવી પણ મુશ્કેલ છે. આખું ફિલ્મ જે શિક્ષણ પર આગળ વધતું હતું એ યુ-ટર્ન લઈ પોલિટિક્સમાં ઘુસી ગયું. હવે મલ્હારનું લક્ષ્ય ‘વર્તમાન સરકારને કચડવી’ એ જ. પ્રચાર શરૂ થયો. લોકોને વિશ્વાસમાં લીધા. “We need justice”ની ગર્જના કરી. અને સામે નવી પાર્ટી(પક્ષ) રચ્યો. ગામના એક સારા વડીલને લીડર બનાવ્યા. અને લોકોને મનાવ્યાં. એટલે અંતે ચૂંટણી જીતી ગયા. જૂની સરકાર પડી. અને છેલ્લે મલ્હારની થોડી સ્પીચ. જે સાંભળવી ગમે. એટલે વાહ…વાહ..વાહ… થઈ ગઈ. અને અવિચારશીલ પબ્લિક ખુશ થઈ ગઈ.

પરંતુ જવાબો ન મળ્યાં. આત્મહત્યા કરનારને ન્યાય ન મળ્યો. નવી સરકાર બનવાથી શિક્ષણ વ્યવસ્થા “હરિશ્ચંદ્ર” બની એવું તો ન થયું. જો કે બતાવ્યું જ નહીં. શિક્ષણમાં ફેલાયેલો કાદવ કઈ રીતે દૂર થઈ શકે એની એક પણ તરકીબ ફિલ્મમાં નથી. વિરોધ કરવો એ પરિસ્થિતિનો જવાબ ન હોય. એ વિરોધ સુધારા સુધી પહોંચવો જોઈએ. વિદ્યાર્થીઓનો અવાજ બની ઘણા નેતા બની ગયા પરંતુ વિદ્યાર્થીઓનું કલ્યાણ થયું નથી. મલ્હારની સરકાર બની ફિલ્મમાં. એ સરકારે આ ઉકરડો કઈ રીતે સાફ કર્યો એ તો લોકોને જાણવું હતું. ઉકરડો છે એ બધાને ખબર હોય પરંતુ એને સાફ કરી બગીચો કઈ રીતે નિર્માણ કરવો એ માર્ગ કોઈ બતાવનાર  સાહેબ કહેવાય. આઝાદી બધાને જોતી હતી પણ પહેલી હરોળમાં ઉભા રહી અંતિમ શ્વાસ સુધી અડગ રહેવા વાળા કેટલાં!! હજારો ટેલેન્ટ કોલેજ લાઈફમાં જ ભ્રષ્ટાચાર અને જાતિવાદનો શિકાર બની જાય છે. અને શિકારીઓ ખુલ્લેઆમ ફરતાં હોય છે.

જે આત્મહત્યા કરવા મજબૂર કરે એને શિક્ષણ કઈ રીતે કહી શકો. જે વિધાર્થીને ડિપ્રેશનમાં ધકેલે એને એજ્યુકેશન કેમ કહેવું. જે વિધાર્થીને ગોખણીયો અને ટ્યુશનિયો બનાવી દે એને શાળા કેમ કહેવી.

આવા ફિલ્મો નવી વિચારધારા ફેલાવે એવી અપેક્ષા હોય છે પરંતુ એ પણ “સેફ મુવ” કરી લે છે. જો આવો દમદાર મુદ્દો જ કહેવો હોય તો પછી ફિલ્મને આવી નોર્મલ, ધીમી અને કંટાળાજનક કેમ બનાવી!! કે પછી સાહેબે પણ શિક્ષણનો મુદ્દો ઉઠાવી કમાઈ લીધું!!

લાસ્ટ વિકેટ

વિદ્યાર્થી એવું ઘાયલ પક્ષી બની ગયું કે આકાશ તો છે પરંતુ પાંખ અને પગ નથી.

– જયદેવ પુરોહિત

07/04/2019

SANJOG NEWS, AMRELI

Leave a Reply

avatar
  Subscribe  
Notify of