Blog

બાલ નહિં તો પ્યાર નહિં : બાલા

ગુજરાતી સ્ટોરી રાઇટર જયારે કોઈ મજેદાર ફિલ્મ લખે એટલે અંદરથી રાજીપો થાય. નિરેન ભટ્ટ લિખિત “બાલા”ની હમણાં બહુ બોલબાલા રહી. ફિલ્મ પણ માણવા જેવી અને માનવા જેવી લખાણી. ક્રિએટિવિટી તમને અનુભવાય એ રીતે સ્ટોરી તૈયાર કરવામાં આવી. અને આવા વિષય પર આખી એક હિટ ફિલ્મ તૈયાર કરવી એ પણ એક ક્રિએટિવિટી જ. વિચાર તો કરો… ખરતાં વાળ પર પણ ફિલ્મ.. બોલો…

“ઘટા છાયેગી… ફિર સે આયેગી હરિયાલી….” શરણાઈ સાથે બેકગ્રાઉન્ડમાં વાગતી આ ટોન સતત મગજમાં વાગતી જ રહેશે. આવા ટોપિક પર જયારે ફિલ્મ બનતી હોય ત્યારે મહત્ત્વનું પાસું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ હોય છે. અને આ ફિલ્મમાં તો સચિન-જીગરે જમાવટ કરાવી દીધી.

આયુષ્માન ખુરાના આ પ્રકારની ફિલ્મો સાઈન નથી કરતો પરંતુ રાઈટરો આવી ફિલ્મો સ્પેશ્યલ આયુષ્માન માટે લખે છે. આયુષ્માને ફિલ્મી દુનિયાને સાવ ખુલ્લી કરી નાખી, એટલે કે, કોઈપણ વિષય પર ફિલ્મો બની શકે. રજૂ થઈ શકે અને સુપરહિટ પણ થઈ શકે. કેશ-પતન આ સમસ્યા સર્વત્ર છે પરંતુ એમનાં પર ફિલ્મ બનશે એતો ન જ વિચાર્યું હોય.

ભૂમિ અને યામી બંનેએ પોતાનો રોલ શબ્દશઃ નિભાવ્યો છે. એમાં પણ ખાસ ભૂમિ, એક કાળી છોકરીની ભૂમિકા સ્વીકારી. યામી આ ફિલ્મમાં એક ટીક ટૉક સ્ટાર બની છે. ફિલ્મમાં ત્રણેય પાત્રને સરખો ન્યાય આપવામાં આવ્યો છે. જો કહાની બાલા કી હૈ, વો હી લતીકા(ભૂમિ) કી હૈ… જાવેદ જાફરીનું પાત્ર ફિલ્મને વધુ હળવું બનાવે છે અને બાલમુકુંદનું(આયુષ્માન) ઘર એટલે ફિલ્મનું હૃદય. એક શેર તો બીજા સવાશેર… ડાયલોગની આતશબાજી એવી કે શબ્દે શબ્દે સીટી…

અમર કૌશિકે આ ફિલ્મ ડાયરેકટ કરી પોતાનું નામ ઊંચું કર્યું છે. બાલા સ્ટોરીને લઈને જે વિવાદ થયો હતો એ હવે રામ મંદિરની જેમ શાંત થઈ ગયો. વિવાદ જ ખોટો હતો જ્યાં આયુષ્માન ખુરાના હોય ત્યાં સામે એ પ્રકારની ફિલ્મ કરનાર કોઈ હીરો ન ચાલે. આયુષ્માન અત્યારે પોતાનો સ્વર્ણિમ કાળ જીવી રહ્યો છે.

ફૂલ જમાવટ જલસો થઈ જાય એવી ફિલ્મ છે. ફિલ્મની શરૂઆતમાં વાળ પોતાની આત્મકથા કહે છે એજ મજેદાર છે. સ્ટોરી લખવામાં સાચે ઘણી બાબતોને બારીકી થી લખવામાં આવી છે. જુઓ તો જ જાણશો.. અને સીનેગ્રાફી પણ આંખને ગમે તેવી… ઘણા ડાયલોગ તો આપમેળે હસાવે એવા..

આ ફિલ્મ નથી પરંતુ આપણી આસપાસ જીવતા લોકોની સમસ્યા છે અને ફિલ્મને અંતે એક સરસ મેસેજ પણ.. જે એકમાત્ર આ સમસ્યાનું સમાધાન… ફિલ્મમાં ભૂમિ કાળી છે… આયુષ્માનને ટાલ છે… યામી પાસે દેખાવ છે.. અને છોકરી માટે સારા દેખાવનો કેટલો ફાયદો મળે એ પણ જબરું બતાવ્યું છે. આપણે ઘણી વખત એક સમસ્યાને એટલી લાંબી ખેંચી લઈએ કે આખી જિંદગી એનાં અફસોસમાં જ ખતમ કરી નાખીએ.. જો હૈ વો હૈ… કોઈ કાલા… કોઈ બાલા.. કોઈ છોટા… કોઈ બડા… આખિર હૈ તો હમ હી.. ખુદ સે પ્યાર કરો દુનિયા તુમસે પ્યાર કરેગી…

જાતને પ્રેમ કરતા શીખવતી આ ફિલ્મ જોવા જેવી છે. કોમેડી સાથે લાઈફ લેશન અને ક્રિએટિવિટીની આખી દિવાળી. આયુષ્માને આવા ફિલ્મો કરવાની કસમ ખાધી છે… આવનાર ફિલ્મ ” શુભ મંગલ જ્યાદા સાવધાનમાં..” એ એક છોકરા સાથે પ્રેમલીલા કરશે…. હીરો પોતાની ઇમેજને બાજુ પર મૂકી આવા ફિલ્મો સાઈન કરે.. એવા સાચા હીરો વેઢે ગણી શકાય એટલા જ છે. એમાંનો એક આયુષ્માન…

– જયદેવ પુરોહિત

15/11/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

Leave a Reply

avatar
  Subscribe  
Notify of