Blog

વેબ સિરીઝ : એક નશીલી દુનિયા

વેબ સિરીઝની દુનિયા હવે ફિલ્મોને ક્યાંક ખટકવા લાગી છે. જબરું પરિવર્તન થયું. વેબ સિરીઝ એ કોઈ એપિસોડની હારમાળા નથી. વેબ સિરીઝ એ નશો છે. જેમ ઘણાને કલબમાં જઈને ‘પીવાનો’ શોખ(આદત) હોય તેમ વેબ સિરીઝ જોવાનો પણ કેફ થઈ જાય છે. એમ કહો કે ‘વેબ સિરીઝ એડિકટ.’

નેટફ્લિક્સ જેવી નશીલી એપ્લિકેશનથી વેબ સિરીઝ ઘરે ઘરે પહોંચી છે. માત્ર ટેરવાના સ્પર્શથી અમેરિકાની દુનિયામાં ખોવાઈ જવાય છે તો કયારેક જાપાનીઝ, ચાઈનીઝ કે તુર્કીના દેશમાં પણ પહોંચી જવાય છે. એક વેબ સિરીઝ બરાબર એક પુસ્તક. જાણે તમે કોઈ ઈન્ટરનેશનલ ઓથરને વાંચી રહ્યા હોય. આ રીતે આપણું વિચાર-શરીર વિશ્વની મુલાકાત લેતું રહે છે. અને સાચું કહું તો અત્યારે ફિલ્મો કરતાં વેબ સિરીઝ વધુ વજનદાર હોય છે. સ્ટોરી પણ પાવરફુલ અને પાત્ર ભજવનાર પણ કસાયેલા. અને ઘર બેઠાં સિનેમા.

વિદેશીઓ વેબ સિરીઝની ધૂમ મચી છે. એમની સામે આપણી વેબ સિરિઝો થોડી ઊતરતી લાગે. પરંતુ વર્ષમાં ચાર-પાંચ એવી હિન્દી વેબ સિરીઝો બને છે જે આપણને લાંબા સમય સુધી યાદ રહી જાય છે. મિર્ઝાપુર, સેક્રેડ ગેમ્સ, અપહરણ, ધી ફેમેલી મેન અને હાલ, ગંદી બાત… વગેરે વેબ સિરિઝોએ ભારતમાં ખૂબ ધૂમ મચાવી છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર vip જેવી અઢળક એપ્લિકેશને પોતાની અલગ જ દુનિયા બનાવી લીધી છે. અને એ સમય પણ હવે દૂર નથી કે, ફિલ્મો ડાયરેકટ મોબાઈલમાં જ રિલીઝ થશે. પ્રીમિયમ ભર્યા કરવાનું અને મોબાઈલમાં જ બધું જોયા કરવાનું.

જ્યારે આમ દુનિયાની દરેક ભાષાની વેબ સિરિઝો લોકો ખુલ્લાં હાથે સ્વીકારતાં હોય છે ત્યારે આપણને ગુજરાતી ભાષાનો વિચાર આવે એ સ્વાભાવિક છે. પરંતુ વેબ સિરીઝની દુનિયામાં આપણે હજી ઘણા પાછળ છીએ. એમ કહીએ કે, શરૂઆત જ નથી થઈ તો પણ ખોટું નહિ કહેવાય. આપણે અહીં યુટ્યુબરો બનાવે તેવા વિડીયો “વેબ સિરીઝ”માં બને છે. આમ તો મોટા લેવલે કહી શકાય એવી એક પણ વેબ સિરીઝ હજી ગુજરાતીમાં બની નથી. “ડુ નોટ ડિસ્ટર્બ” અને બ્રેકઅપ .. જેવી એક બે વેબ સિરીઝ બની છે. પણ એ યુટ્યુબનો કોઈ વિડીયો જોતા હોય એવી જ છે.

આપણી પાસે ઢગલાબંધ ગુજરાતી સાહિત્ય છે. હજારો વાર્તાઓ હશે. પરંતુ એમને લોકો સુધી પહોંચાડવાનું કામ કોઈ કરી રહ્યું નથી. વિદેશોમાં બનતી વેબ સિરિઝો મોટા ભાગે કોઈ નવલકથામાંથી બની હોય છે. પરંતુ આપણી ગુજરાતી નવલકથાઓને વેબ સિરિઝમાં રૂપાંતરિત કરવાનું સાહસ કોઈ કરી રહ્યું નથી. મારા મતે એક હટકે ગુજરાતી વેબ સિરીઝ બનવી જોઈએ. 10 એપિસોડની સિરીઝ હોય અને દરેક એપિસોડ 40 મિનિટ જેટલો લંબાયેલો હોય અને સ્ટોરી એવી પાવરફુલ કે, જાણે ગુજરાતીઓને ગુજરાતી વેબ સીરીઝનો નશો થઈ જાય. ખરો સમય આ જ છે ગુજરાતી વેબ સિરીઝનો…

અત્યારે નેટફ્લિક્સ પહેલાં નંબરે છે વેબ સિરીઝની દુનિયામાં. તમે પણ વ્યસની હોય તો નેટફ્લિક્સનો નશો કરો અને વેબ સિરિઝને ભરી ભરીને પીવો.

– જયદેવ પુરોહિત

10-01-2020

સંજોગ ન્યૂઝ, અમરેલી

Leave a Reply

avatar
  Subscribe  
Notify of