Blog

” એ રાતે દરવાજા પર કોઈએ ટકોરા માર્યા…”

રાત આમ તો એકલતા અને એકાંત પળોનું શહેર છે. શબ્દોની છુટ્ટી અને મૌનની નોકરી લાગી હોય છે. પ્રેમ અને નફરતનું અનોખું સ્થાન એટલે રાત્રી.

ઘડિયાળએ બાર દેખાડ્યા એટલે હું ટીવી બંધ કરી મારા રૂમમાં ગયો. મોબાઈલ સાથે નથી લઈ જવો એવો વિચાર માત્ર વિચાર જ રહ્યો. આખા દિવસનો થાકેલો હું લથડીયા ખાતો બેડ સુધી પહોંચ્યો. આંખોએ આરામ કરવાની હઠ પકડી અને મેં મોબાઈલમાં ચેટ કરવાની હઠ લીધી.

લાઈટ ઓફ કરી હું ચાદરમાં ફસાઈ ગયો. પંખાની ગતિ નીંદર અપાવવા પૂરતી હતી. આંખોને સૂવું હતું ને વિચારોને ભટકવું હતું. પણ થાક સામે વિચારો લાચાર બન્યાં. આંખ લાગી પરંતુ વિચારોએ હાર ન માની.

લગભગ પંદર જેટલાં લોકોથી હું ઘેરાયેલો હતો, મારી હાલત અત્યંત ગંભીર હતી. આસપાસના લોકોના હાથમાં રહેલી હોકીની સ્ટિક ઝાંખા અજવાળામાં મને દેખાઈ ગઈ. હું ખૂબ ડરી ગયો, ત્યાંથી ભાગવા હું ઉભો થયો ત્યાં કોઈએ મારો ટાંટિયો ખેંચી ઘસેડયો, હું રાડો પાડવા લાગ્યો પણ આસપાસ કોઈ મારુ શુભચિંતક ન હતું. પગ થરથરવા લાગ્યાં, શબ્દોએ શરમ છોડી, હાથે પણ તાંડવ શરૂ કર્યું અને હું ઉભો થવાં મરણીયો પ્રયાસ કરી રહ્યો હતો, એવામાં માથા પર જોરથી પ્રહાર થયો, આકાશમાં તિરાડ પડી જાય એટલી જોરથી મેં ત્રાડ પાડી…..

ઉભો થઈ સૌ પ્રથમ મેં હાથ મારા કપાળે લગાવ્યો, જરા પર લોહી નથી. ઉપર જોયું તો પંખો હજી એજ ગતિથી ફરી રહ્યો હતો. ચાદર ટીવીની બાજુમાં પડી હતી. મારો મોબાઈલ પણ બેડ નીચે પડ્યો હતો, બેટરી તો સોફા નીચે જતી રહી હતી. મારા પગ પણ કોઈએ પકડ્યા કે ઘસડ્યા ન હતાં. હવે વિચારોને સૂવું હતું અને આંખોને જાગવું હતું.

એવામાં દરવાજા પર ટકોરો વાગ્યો. મેં ઘડિયાળમાં જોયું તો 3 થવામાં બે મિનિટની વાર હતી. હળવા પગે મેં દરવાજો ખોલ્યો…

“એક થાકેલો પાકેલો દોડધામમાં ગળાડૂબ બનેલો પડછાયો અંદર આવ્યો, મને ધક્કો મારી એ અંદર ઘૂસ્યો. ટીવીની બાજુમાં પડેલી ચાદર લીધી, પંખાની ગતિ સહેજ વધારી, મોબાઈલને ગેસ્ટ રૂમમાં ઘા કરી, મારી સામે ડોળા કાઢતો એ પડછાયો સુઈ જાય એ પહેલાં એટલું બબડયો કે..

“ઘરે આવ ત્યારે સાથે મને પણ લઈ આવવાનો તો જ તું શાંતિથી રહી શકીશ. આમ તું ઘરમાં રહે ને હું બહાર ભટક્યા કરું એ તારા નિજી જીવન માટે હાનિકારક છે…”

દરવાજો બંધ કરી હું પણ એ પડછાયાનાં આકારમાં સમાય ગયો. અને એ દિવસ પછી પડછાયાને કયારેય આમ ભટકતો છોડ્યો નથી.

“એ રાતે દરવાજા પર પડછાયાએ કરેલ ટકોરો….. મારી શાંતિમય જિંદગીનું કારણ બન્યો હતો…

આજે પણ એ ટકોરો અને એ પડછાયો સાથે લઈને જ જીવું છું.

– જયદેવ પુરોહિત

22/10/2019, મંગળવાર

2
Leave a Reply

avatar
1 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
jaydev-purohitParmar Pratham Recent comment authors
  Subscribe  
newest oldest
Notify of
Parmar Pratham
Guest
Parmar Pratham

👌👌👌👌